અમદાવાદ, 13 ઓક્ટોબરઃ વૈશ્વિક સ્તરે ઈઝરાયલ-હમાસ વચ્ચે વણસી રહેલી જિઓ પોલિટિકલ ક્રાઈસિસ વચ્ચે કિંમતી ધાતુ બજારમાં તેજી જોવા મળી છે. ગ્લોબલ સ્પોટ ગોલ્ડ માટે આ સપ્તાહ છેલ્લા સાત માસનું સર્વશ્રેષ્ઠ સપ્તાહ રહ્યું છે. સ્પોટ ગોલ્ડ 3 ટકા વધ્યું છે. જ્યારે સ્પોટ ચાંદી પણ વૈશ્વિક સ્તરે વધી 22.53 ડોલર પ્રતિ ઔંશ થઈ છે.

આર્થિક કટોકટીમાં સોના-ચાંદીની ચમક વધે છે. ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધના પગલે સોનામાં હેજિંગ વધ્યું છે. સ્થાનિક બજારમાં સોનાનો ભાવ છેલ્લા એક સપ્તાહમાં 10 ગ્રામ દીઠ રૂ. 1800 વધી 60600 પર ક્વોટ થઈ રહ્યો છે. ચાંદીની કિંમત રૂ. 500 વધી આજે કિલોદીઠ રૂ. 71 હજાર આસપાસ હતી.

  • વૈશ્વિક સ્તરે સોના માટે આ સપ્તાહ સર્વશ્રેષ્ઠ રહ્યું
  • કિંમતી ધાતુ બજારમાં શોર્ટ ટર્મ તેજી રહેવાની શક્યતા

સોના-ચાંદીમાં તેજી-મંદી ફુગાવો, બોન્ડ યીલ્ડ, કરન્સી, ક્રૂડ ઓઈલ અને ગર્ભિત સોનાની વોલેટિલિટીને આધારિત છે. પરંતુ વર્તમાન જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના કારણે આગામી સપ્તાહે સોના-ચાંદી બજાર સુધારા તરફી જોવા મળી શકે છે. શોર્ટ ટર્મ માટે ગોલ્ડના ભાવમાં તેજી આ તણાવને આભારી રહેશે. જો કે, લોંગ ટર્મ વ્યૂહને ધ્યાનમાં લેતાં ફુગાવાની સ્થિતિને જોતા સોનામાં પ્રેશર જળવાઈ રહેશે.

“ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધના કારણે સોનાનો ભાવ 1500 રૂપિયા વધી એમસીએક્સ પર 58300ની નજીક પહોંચ્યો છે. ડોલરની નબળાઈને કારણે કેટલાક ટેકા સાથે સોનામાં 1820$ થી 1885$ તરફ તીવ્ર સુધારો જોવા મળ્યો હતો.આ અઠવાડિયે CPI ડેટામાં થોડો વધારો થયો છે પરંતુ જિયો-પોલિટિકલ ક્રાઈસિસ સોનામાં તેજી માટે મુખ્ય જવાબદાર પરિબળ છે. જ્યાં સુધી કોમેક્સ ગોલ્ડ 1875 ડોલર ઉપર રહે ત્યાં સુધી સોનામાં 58700 તરફ હકારાત્મક વલણ ચાલુ રહી શકે છે. – જતિન ત્રિવેદી, વાઈસ પ્રેસિડન્ટ, એલકેપી સિક્યુરિટિઝ