ગ્રોએ કોન્ફિડેન્શિયલ IPO પેપર્સ ફાઇલ કર્યા

મુંબઇ, 27 મેઃ સ્ટોક બ્રોકિંગ કંપની, ગ્રો એ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સમક્ષ ગુપ્ત રીતે પ્રારંભિક જાહેર ઓફર (IPO) માટે અરજી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, IPOનું કદ આશરે 700 મિલિયન ડોલરથી લઈને 1 બિલિયન ડોલર રહેવાની ધારણા છે, જેમાં એક નવો ઇશ્યૂ અને ઓફર ફોર સેલ કમ્પોનન્ટનો સમાવેશ થાય છે. કંપનીને પીક XV, રિબિટ, YC, આઈકોનિક, ટાઇગર કેપિટલ અને માઇક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા જેવા મોટા રોકાણકારોનો ટેકો મળેલો છે. IPOમાંથી મળેલી રકમનું રોકાણ ટેકનોલોજીના વિકાસ અને વ્યવસાયના વિસ્તરણમાં કરવામાં આવે તેવી શક્યતા છે.
અગાઉના અહેવાલ મુજબ, આ ઇશ્યૂ માટેના મર્ચન્ટ બેન્કર્સમાં જેપી મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ પ્રાઇવેટ, એક્સિસ કેપિટલ અને મોતીલાલ ઓસ્વાલ સિક્યોરિટીઝનો સમાવેશ થાય છે.
2016માં શરૂ થયેલી ગ્રો નાણાકીય વર્ષ 2025માં ભારતમાં સૌથી ઝડપથી વિકસતા રિટેલ બ્રોકિંગ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે, માર્ચ 2025 સુધીમાં કંપનીનો બજાર હિસ્સો 26%થી વધુ હતો. નાણાકીય વર્ષ 2025માં, ગ્રો 34 લાખ નવા એકાઉન્ટના ઉમેરા સાથે સૌથી મોટો ફાળો આપનાર પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે – જે NSEની વૃદ્ધિમાં 40% હિસ્સો છે. કંપનીનો સક્રિય ક્લાયન્ટની સંખ્યા માર્ચ 2024ના 9.5 મિલિયનથી વધીને માર્ચ 2025માં 1.29 કરોડ થઈ છે, જે વાર્ષિક ધોરણે 36%નો નોંધપાત્ર વધારો દર્શાવે છે. અહેવાલો અનુસાર, કંપની સિંગાપોર સ્થિત એસેટ મેનેજમેન્ટ ફર્મ GIC પાસેથી 7 બિલિયન ડોલરના પોસ્ટ-મની મૂલ્યાંકન પર 100-150 મિલિયન ડોલરનું ભંડોળ એકત્ર કરે તેવી શક્યતા છે. આ રાઉન્ડ $250-300 મિલિયન ડોલરના મોટા રાઉન્ડનો એક ભાગ છે, જે આગામી બે અઠવાડિયામાં બંધ થવાની ધારણા છે.
ગ્રો નાણાકીય વર્ષ 23માં નફાકારક બન્યું હતું, જ્યારે કંપનીની આવક ₹1,277 કરોડ અને નફો ₹449 કરોડ હતો. નાણાકીય વર્ષ 24માં, ગ્રોની આવક ₹3,145 કરોડ અને ઓપરેટિંગ નફો ₹535 કરોડનો હતો, જે સતત મજબૂત વ્યવસાયિક પ્રદર્શન દર્શાવે છે. ગયા વર્ષે કંપનીએ ભારતમાં ડોમિસાઇલ મૂવ તરીકે ₹1,340 કરોડનો વન ટાઈમ ટેક્સ ચૂકવ્યો હતો, જેના કારણે તેને ₹805 કરોડનું ચોખ્ખું નુકસાન થયું હતું.
