અમદાવાદ, 11 ઓગસ્ટઃ સેકન્ડરી માર્કેટમાં મિનિ વેકેશનનો માહોલ અને 3 દિવસની રજાઓના કારણે પ્રાઇમરી માર્કેટમાં પણ શરૂ થઇ રહેલા ટૂંક સપ્તાહ દરમિયાન 4 IPOની એન્ટ્રી જોવા મળશે અને 5 IPO લિસ્ટિંગ માટે લાઇનમાં છે. 4 IPO પૈકી 2 IPO મેઇનબોર્ડમાં અને 2 IPO SME સેગમેન્ટમાં ખુલશે.

મેઇનબોર્ડ સેગમેન્ટમાં BlueStone Jewellery અને Regaal Resourcesની એન્ટ્રી

રૂ. 1541 કરોડનો BlueStone Jewellery IPO 11 ઓગસ્ટના રોજ જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે, જેની કિંમત પ્રતિ શેર રૂ. 492-517 છે. આ ઇશ્યૂમાં રૂ.820 કરોડના નવા શેર જારી કરવામાં આવશે અને હાલના શેરધારકો દ્વારા ૧.૪ કરોડ શેરની ઓફર-ફોર-સેલનો સમાવેશ થાય છે. કંપનીએ 8 ઓગસ્ટના રોજ એન્કર બુક દ્વારા 693.3 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. આ ઇશ્યૂ 13 ઓગસ્ટના રોજ બંધ થશે.

કોલકાતા સ્થિત મકાઈ આધારિત ઉત્પાદનોમાં વિશેષતા ધરાવતી ઉત્પાદક Regaal Resources દ્વારા રૂ. 306 કરોડનો IPO 12 ઓગસ્ટના રોજ ખુલશે, જેની કિંમત શેર દીઠ રૂ. 96-102 છે અને તે 14 ઓગસ્ટના રોજ બંધ થશે.

આ બે IPO ઉપરાંત, JSW સિમેન્ટ અને ઓલ ટાઇમ પ્લાસ્ટિક ઓફર, જે ગયા અઠવાડિયે 7 ઓગસ્ટના રોજ ખુલી હતી, તે 11 ઓગસ્ટના રોજ સબ્સ્ક્રિપ્શન માટે બંધ થઇ રહ્યા છે.

એસએમઇ સેગ્મેન્ટમાં Icodex Publishing Solutions અને Mahendra Realtors & Infrastructureની એન્ટ્રી

SME સેગમેન્ટમાં, સોફ્ટવેર પ્રોડક્ટ ડેવલપમેન્ટ કંપની, Icodex Publishing Solutions, 11 ઓગસ્ટના રોજ તેના રૂ. 42 કરોડના IPOનો પ્રારંભ કરશે, જેની કિંમત શેર દીઠ રૂ. 98-102 છે. આ પછી, મહેન્દ્ર રિયલ્ટર્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો 12 ઓગસ્ટના રોજ રૂ. 49.5 કરોડનો IPO ખુલ્યો, જેની કિંમત પ્રતિ શેર રૂ. 75-85 છે.

સાવલિયા ફૂડ્સ પ્રોડક્ટ્સ અને કોનપ્લેક્સ સિનેમા 11 ઓગસ્ટના રોજ તેમના પ્રથમ જાહેર ઇશ્યૂ બંધ કરશે, જ્યારે સ્ટાર ઇમેજિંગ અને પાથ લેબ, મેડિસ્ટેપ હેલ્થકેર અને ANB મેટલ કાસ્ટ IPO માટે સબ્સ્ક્રિપ્શન 12 ઓગસ્ટ સુધી ખુલ્લારહેશે.

લિસ્ટિંગઃ મેઇનબોર્ડમાં 3 અને એસએમઇમાં બે IPO લિસ્ટેડ થશે

મેઇનબોર્ડ સેગમેન્ટમાં, 3 કંપનીઓ તેમના લિસ્ટ કરશે, જેમાં હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર 12 ઓગસ્ટના રોજ લિસ્ટ થનારી પ્રથમ કંપની હશે, ત્યારબાદ 14 ઓગસ્ટના રોજ JSW સિમેન્ટ અને ઓલ ટાઇમ પ્લાસ્ટિક્સનો સમાવેશ થશે. SME સેગમેન્ટમાં, સાવલિયા ફૂડ્સ પ્રોડક્ટ્સ અને કોનપ્લેક્સ સિનેમા 14 ઓગસ્ટથી NSE ઇમર્જ પર ટ્રેડિંગ માટે ઉપલબ્ધ રહેશે.