વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સાણંદ ખાતે ₹૩૩૦૦ કરોડના ‘કેઇન્સ સેમિકોન’ OSAT પ્લાન્ટનો શુભારંભ
| સેમિકંડક્ટર ક્ષેત્રે ભારતનું વર્તમાન વૈશ્વિક માર્કેટ રૂ. ૪.૫ લાખ કરોડનું, વર્ષ-૨૦૩૦ સુધીમાં ૯ લાખ કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય, કેઇન્સ સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ એ સાણંદ-ધોલેરાને સિલિકોન વેલી બનાવવાની દિશામાં આગવું કદમ પુરવાર થશે | સાણંદમાં તૈયાર થયેલી આ ચિપ્સ અમેરિકા પહોંચીને સમગ્ર વિશ્વને અજવાળશે, સેમિકંડક્ટરથી AI સહિતના ઈમર્જિંગ સેક્ટરમાં ગુજરાતને હબ બનાવવા ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ માટે રાજ્યના બજેટમાં જોગવાઈ કરાઈ |
| ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભર્યું સાણંદ, ‘કેઇન્સ સેમિકોન’ OSAT પ્લાન્ટની રોજની ૬૩ લાખ ચિપ્સની ઉત્પાદન ક્ષમતાટૅક | ફ્યુચરનો ટર્નિંગ પોઈન્ટ: વડાપ્રધાનના હસ્તે ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના નવા યુગનો પ્રારંભ |

અમદાવાદ, 31 માર્ચઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતેથી કેઇન્સ સેમિકંડક્ટર OSAT ફેસિલિટીનો શુભારંભ કરાવતાં કહ્યું કે આ ‘ડિકેડ’ એટલે કે દશકો ભારતનો ‘ટૅકેડ’ છે. તેમણે કહ્યું કે આજે ભારતે તકનીકી ક્ષેત્રે જે નવી પહેલો કરી છે, તે આગામી દાયકાઓમાં વૈશ્વિક સ્તરે દેશના નેતૃત્વને વધુ મજબૂત બનાવશે.
વૈશ્વિક બજારમાં ભારત આજે એક ભરોસાપાત્ર સેમિકંડક્ટર સપ્લાયર તરીકે ઊભરી રહ્યું છે તેમ જણાવી વડાપ્રધાનએ ઉમેર્યું કે સાણંદમાં તૈયાર થયેલી આ ચિપ્સ અમેરિકા પહોંચીને સમગ્ર વિશ્વને અજવાળશે. સેમિકંડક્ટર ક્ષેત્રે ભારતનું વર્તમાન વૈશ્વિક માર્કેટ રૂ. ૪.૫ લાખ કરોડ રૂપિયાનું, વર્ષ-૨૦૩૦ સુધીમાં ૯ લાખ કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય આઈ.ટી. મંત્રી અશ્વિની વૈષ્ણવ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે કેઇન્સ સેમિકોન(Kaynes Semicon)ની અત્યાધુનિક આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું ઉદ્ઘાટન કરીને દેશના સેમિકન્ડક્ટર મિશનને નવું સામર્થ્ય બક્ષ્યું છે.

સાણંદ જીઆઈડીસી ખાતે અંદાજે ₹૩૩૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલો આ પ્લાન્ટ ભારતના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે. વડાપ્રધાનના હસ્તે વધુ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ થતા ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના નવા યુગનો પ્રારંભ થયો છે.
આ પ્રસંગે વડાપ્રધાન અને કેઇન્સના વાઈસ ચેરમેન રમેશ કુન્હિકન્નનના હસ્તે કેઇન્સ સેમિકોન દ્વારા તેમના એન્કર કસ્ટમર ‘આલ્ફા ઓમેગા સેમિકન્ડક્ટર’ના સીઈઓ સ્ટીફન ચેંગને પ્રોડક્ટ એનાયત કરવામાં આવી હતી.
સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભરતા પર ભાર મૂકતા વડાપ્રધાનએ કહ્યું કે સેમિકન્ડક્ટરમાં આત્મનિર્ભરતા માત્ર એક ચિપ સુધી મર્યાદિત નથી, તે AI, ઇલેક્ટ્રિક વ્હિકલ, ક્લીન એનર્જી, ડિફેન્સ અને ઇલેક્ટ્રોનિક્સ જેવાં અનેક ક્ષેત્રોમાં ભારતની મજબૂતીનો પાયો છે. આજે દેશના છ રાજ્યોમાં રૂ. ૧.૬૦ લાખ કરોડના ખર્ચે ૧૦ મોટા પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે.
દેશમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભવિષ્યના આયોજન અંગે વડાપ્રધાનએ જણાવ્યું કે મિશનના પ્રથમ ફેઝની સફળતા બાદ હવે આપણે ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન ૨.૦’ તરફ ડગ માંડ્યા છે. અમારો પ્રયાસ હવે એક ‘ફુલ સ્ટેક’ ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરવાનો છે. ખૂબ જ ટૂંક સમયમાં દેશમાં ૮૫ હજારથી વધુ ડિઝાઇન પ્રોફેશનલ્સ તૈયાર કરવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લેવામાં આવશે.
કેઇન્સ સેમિકોનના OSAT પ્લાન્ટના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજે સાણંદ ખાતે કેઈન્સ સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યાન્વિત થયો છે, તે એક આગવો માઇલસ્ટોન પુરવાર થશે.

પ્લગ એન્ડ પ્લે ફેસિલિટી સાથે રાજ્યમાં લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઝડપથી વિકસી રહ્યું છે. ડિજિટલ અને ટેકનોલોજીની ક્રાંતિમાં ભારત અગ્રણી બને તેમાં ગુજરાત પણ સર્વોચ્ચ યોગદાન આપવા સક્ષમ અને સમર્થ છે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં માત્ર ૧૪ મહિનામાં કેઇન્સ સેમિકોન પ્લાન્ટના ખાતમુહૂર્તથી લઈને કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થઈ ચૂક્યું છે, જે એક રેકોર્ડ છે. દેશની ૩૧૫ યુનિવર્સિટીઓના ૬૦,૦૦૦ યુવા એન્જિનિયર્સે સેમિકન્ડક્ટર અંગેની તાલીમ મેળવી લીધી છે તેમ જણાવી વૈષ્ણવે ઉમેર્યું કે દેશના યુવાનો ૨ nmની સેમિકન્ડક્ટર ચિપની ડિઝાઇન તૈયાર કરી રહ્યા છે. દેશમાં વિશ્વની સૌથી કોમ્પ્લેક્સ ચિપની ડિઝાઇનથી લઈને કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થઈ ચૂક્યું છે.
સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે કેઈન્સના CEO કે. રઘુનાથન પણીકરે જણાવ્યું હતું કે ભારત આજે ચિપ મેન્યુફેક્ચરિંગના વૈશ્વિક નકશા પર ગૌરવભેર ઉભરી આવ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ‘ભારતનું આગમન થઈ ચૂક્યું છે’ અને સમગ્ર ઇલેક્ટ્રોનિક ઇકોસિસ્ટમ હવે ‘ISM 2.0’ ના નવા યુગમાં પ્રવેશવા સજ્જ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
