આરબીઆઈ સરકારને FY24 માટે રેકોર્ડ રૂ. 2.11 લાખ કરોડનું ડિવિડન્ડ ચૂકવશે
અમદાવાદ, 22 મેઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નાણાકીય વર્ષ 2023-24 માટે સરકારને રૂ. 2.11 લાખ કરોડની સરપ્લસ ચૂકવવા મંજૂરી આપી છે. જે અત્યારસુધીનું સૌથી વધુ રેકોર્ડ ડિવિડન્ડ હશે.આરબીઆઈએ જણાવ્યું હતું કે, બિમલ જાલાન કમિટીની ભલામણોના આધારે 26 ઓગસ્ટ, 2019ના રોજ આરબીઆઈ દ્વારા અપનાવવામાં આવેલી ઈકોનોમિક કેપિટલ ફ્રેમવર્કના આધારે નાણાકીય વર્ષ 2023-24 માટે સરકારની તિજોરીમાં સરપ્લસ જમા કરશે. સેન્ટ્રલ બેન્કના ફોરેક્સ હોલ્ડિંગમાંથી થતી આવકમાં ઉછાળાના કારણે ડિવિડન્ડની રકમ આ વર્ષે રેકોર્ડ સ્તરે નોંધાઈ છે.જેના લીધે સરકારની લિક્વિડિટી સરપ્લસ વધશે. આરબીઆઈએ 2024-25 માટે રૂ. 1.02 લાખ કરોડનું ડિવિડન્ડ મળવાનો અંદાજ મૂક્યો હતો. જે 2023-24માં અંદાજિત રૂ. 1.04 લાખની આવક કરતાં 2.3 ટકા ઓછુ છે. આરબીઆઈ 2024-25માં સરકારના ખાતામાં 85 હજાર કરોડથી 1 લાખ કરોડની સરપ્લસ ટ્રાન્સફર કરવાની અપેક્ષા ધરાવતી હતી. પરંતુ ફોરેન સિક્યુરિટી મારફત આવકોમાં વૃદ્ધિના કારમે સરપ્લસની રકમ બમણી થઈ છે.આરબીઆઈ સરકારની ડેટ મેનેજર તરીકે સેવા આપે છે. જે મેમાં આ સરપ્લસ ફંડ સરકારની તિજોરીમાં જમા કરાવશે. યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાના ચીફ ઈકોનોમિક એડવાઈઝરે રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, આરબીઆઈ નાણાકીય વર્ષ 2024-25માં કેન્દ્ર સરકારના ખાતામાં રૂ. 1 લાખ કરોડ સુધીની સરપ્લસ જમા કરશે. ગતવર્ષએ સૌથી વધુ રૂ. 87416 કરોડની સરપ્લસ ટ્રાન્સફર કરી હતી.