(અ)નીલ અંબાણી સહિતના સારા સારા ઉદ્યોગગૃહોના આસમાન ઊડનારા શેર્સ આજે તળિયે આળોટે છે….?!!
અમદાવાદ, 1 મેઃ શેરબજારમાં મૂડીરોકાણ કે સ્પેક્યુલેશન એ અભ્યાસ, અનુભવ અને આવડતનો વિષય છે. તો વળી બજાર પંડિતો એવી સલાહ આપી રહ્યા છે કે જો તમારી પાસે ધન, ધ્યાન અને ધીરજનો ત્રિવેણી સંગમ હોય તો જ શેરબજારમાં ઝંપલાવો. પરંતુ યસ બેન્ક, ફ્યુચર ગ્રૂપ, (અ)નીલ અંબાણી, સદભાવ ગ્રૂપ, પીસી જ્વેલર્સ કે પછી યુનિટેક જેવાં પ્રચલિત અને સારી શાખ ધરાવતા ઊદ્યોગ ગૃહોના શેર્સમાં પણ સટ્ટાના કારણે મૂડીની મોકાણ મંડાણી હોય ત્યાં અજાણી કંપનીઓના શેર્સમાં આંગળા દાઝે તેમાં શી નવાઇ…?!!
યસ બેન્કનો શેર રૂ. 400 પ્લસ થઇ ગયો ત્યારે ટીડા જોશીઓ એવી આગાહી કરતાં હતા કે 4000 થઇ જશે… 4 થઇ ગયો ત્યારે પણ આગાહીઓ થઇ હતી કે ફરી પાછો મેદાનમાં… (ગામને કમાવવા નહિં લૂંટવા…)
આરકોમ, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ પાવરમાં અનિલ અંબાણીનો જાદૂ રોકાણકારોની મૂડી ઉપર ચાલી ગયો. બાકી હતું તે નવી પેઢીએ રિલાયન્સ નેવલમાં નિચોવી લીધુઃ રોકાણકારોનો બળાપો...
ફ્યુચર એન્ટરપ્રાઇસ, ફ્યુચર લાઇફસ્ટાઇલ, ફ્યુચર સપ્લાય ચેનના શેર્સમાં રોકાણકારોના ભવિષ્યના સુખ-ચેન છીનવાઇ ગયા….
બ્રાઇટકોમના શેરમાં રોકાણકારોએ લડાવેલી મૂડી અંધારામાં ગરકાવ થઇ ગઇ….
સદભાવના એન્જિનિયરિંગ અને પ્રોજેક્ટ બન્ને શેર્સમાં સદભાવના જેવું કંઇ રહ્યું નહિં, રોકાણકારોના પ્રોજેક્શન્સ અટવાઇ ગયા….
એજ્યુકોમના શેરમાં ભણેલાં- ગણેલાં રોકાણકારો પણ મૂડી ખોઇને અભણ સાબિત થયા….
પીસી જ્વેલર્સના શેર્સમાં સોનાનો ઢોળ ચડાવેલા શેર્સ જ જ્યાં પિત્તળ સાબિત થયા…..
યુનિટેકના શેરમાં પણ રોકાણકારોની મૂડીમાં પ્રોફીટ બિલ્ડિંગના સ્થાને ખોટના ખાડા ખોદાઇ ગયા…
યસ બેન્ક, ફ્યુચર ગ્રૂપ, (અ)નીલ અંબાણી, સદભાવ ગ્રૂપ, પીસી જ્વેલર્સ કે પછી યુનિટેક જેવાં પ્રચલિત અને સારી શાખ ધરાવતા ઊદ્યોગ ગૃહોના શેર્સમાં પણ સટ્ટાના કારણે મૂડીની મોકાણ મંડાણી!!
કંપની | 10 વર્ષની ટોચ | છેલ્લો ભાવ* (28 એપ્રિલ) |
યસ બેન્ક | 404 | 15.68 |
આરકોમ | 164 | 1.46 |
રિલા. કેપિટલ | 877 | 9.75 |
રિલા. પાવર | 113 | 12.22 |
રિલા. નેવલ | 114 | 2.43 |
ફ્યુચર એન્ટરપ્રાઇસ | 172 | 0.63 |
ફ્યુચર લાઇફસ્ટાઇલ | 502 | 6.14 |
ફ્યુચર સપ્લાય ચેન | 750 | 13.58 |
બ્રાઇટકોમ ગ્રૂપ | 122 | 9.27 |
મેટાલિસ્ટ ફોર્જ | 519 | 4.14 |
ઓમકાર સ્પેશિયાલિટી | 249 | 7.57 |
ગાયત્રી પ્રોજેક્ટ | 237 | 5.93 |
સદભાવ એન્જિ. | 438 | 11.04 |
એજ્યુકોમ | 75 | 2.10 |
રોલટા ઇન્ડિયા | 196 | 1.85 |
જેબીએફ ઇન્ડ. | 326 | 6.14 |
અબાન ઓફશોર | 939 | 39.22 |
સદભાવ ઇન્ફ્રા. | 157 | 3.73 |
પીસી જ્વેલર્સ | 600 | 25.34 |
મેકનેલી ભારત | 114 | 4.23 |
યુનિટેક | 38 | 1.37 |
(સ્રોતઃ બીએસઇ, નોંધઃ *કંપની દ્વારા જાહેર કરાયેલા બોનસ, રાઇટ્સ ડિવિડન્ડ સહિતના લાભોની ગણતરી સિવાયના ભાવની સ્થિતિ દર્શાવે છે.)