અમદાવાદ, 29 સપ્ટેમ્બરઃ ટાટા કેપિટલ લિમિટેડે IPO માટે રૂ. 310–326ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે, જે તેના તાજેતરના રાઇટ્સ ઇશ્યૂ ભાવથી નીચે છે અને રૂ. 735 ના અનલિસ્ટેડ માર્કેટ કિંમત કરતા લગભગ 55 ટકા નીચે હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. જૂનની શરૂઆતમાં ગ્રે માર્કેટમાં રૂ. 1,075 પર ક્વોટ થયેલા શેરનું બિનસત્તાવાર પ્રિમિયમ લગભગ32 ટકા ઘટ્યું છે. ઉલ્લેખનીય છે કે, જુલાઈ 2025માં રૂ. 343ના રાઇટ્સ ઇશ્યૂ કરતાં પણ નક્કી કરાયેલી પ્રાઇસબેન્ડ નીચી છે. એપ્રિલ 2025માં ગ્રેમાર્કેટમાં શેર રૂ. 1,125ની ટોચે પહોંચ્યો હતો, જે IPO બેન્ડમાં લગભગ 70 ટકાનું ધોવાણ સૂચવે છે.

બજાર નિષ્ણાતોના કહેવા મુજબ જે રોકાણકારોએ અનલિસ્ટેડ સ્પેસમાં ભારે ખરીદી કરી હતી હવે તેમને તીવ્ર કાલ્પનિક નુકસાનનો સામનો કરવો પડે તેવી દહેશત સેવાઇ છે. અગાઉ એચડીએફસી બેન્ક સમર્થિત HDB ફાઇનાન્શિયલ સર્વિસીસમાં પણ આવી જ પેટર્ન જોવા મળી હતી, જેનો અનલિસ્ટેડ સ્ટોક જૂન 2025ના IPO પહેલા રૂ. 1,200 થી 40 ટકા ઘટીને રૂ. 740 થયો હતો, જે રૂ. 777 પર લિસ્ટેડ થયો હતો – જે સામાન્ય 5 ટકા પ્રીમિયમ હતું. લિસ્ટિંગ પછી, પ્રી-IPO ખરીદદારો છ મહિના સુધી લૉક ઇન રહે છે. જો ગ્રે માર્કેટ પ્રીમિયમ નબળું પડે અથવા વ્યાપક સેન્ટિમેન્ટ મંદી તરફ વળે તો વધુ સુધારા શક્ય છે. અનલિસ્ટેડ રોકાણકારો માટે, IPO માર્કેટમાં લાખના બાર હજારનો ઘાટ થયાની લાગણી સર્જાઇ છે. ટાટા કેપિટલના આઇપીઓની વાત કરીએ તો

અપર પ્રાઇસ બેન્ડ પર, ફ્રેશ ઇશ્યૂ લગભગ રૂ. 6,846 કરોડ હશે, જ્યારે વેચાણ માટે ઓફર લગભગ રૂ. 8,665.87 કરોડ હશે. એન્કર બુક સાઈઝ આશરે રૂ. 4,642 કરોડ હશે, અને કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ રૂ. 1.38 લાખ કરોડ હશે.