ડિસેમ્બરમાં અમેરિકામાં થતી નિકાસમાં 50.44%નો ઘટાડોયુએઈ અને હોંગકોંગમાં મજબૂત વૃદ્ધિએ દબાણને સરભર કર્યુંએપ્રિલથી ડિસેમ્બરની સરખામણીમાં ગોલ્ડ બારના ભાવમાં 52%નો વધારો

મુંબઈ, 19 જાન્યુઆરી 2026: એપ્રિલ-ડિસેમ્બર 2025 દરમિયાન યુએસમાં ભારતની જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાના 6.95 બિલિયન ડોલરની સરખામણીમાં 44.42% ઘટીને 3.86 અબજ ડોલર થઈ છે. ડિસેમ્બર 2025માં, યુએસમાં થતી નિકાસમાં વાર્ષિક ધોરણે 50.44%નો ઘટાડો થયો છે, જે ટેરિફ-સંબંધિત દબાણ અને મંદ વિવેકાધીન માગની સતત અસરને દર્શાવે છે.

આ તીવ્ર ઘટાડા અંગે GJEPCના ચેરમેન શ્રી કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું કે, “યુએસ ભારત માટે નિકાસનું સૌથી મોટું બજાર છે અને આપણા રત્ન અને ઝવેરાતની નિકાસમાં લગભગ 30% હિસ્સો ધરાવે છે. નિકાસમાં તીવ્ર ઘટાડો ગંભીર ચિંતાનો વિષય છે. ટેરિફને લગતી લાંબા સમય સુધીની અનિશ્ચિતતા ભારતીય ઝવેરાતના નિકાસકારો માટે યુએસના બજારની લાંબા ગાળાની યોગ્યતા પર પ્રતિકૂળ અસર કરી શકે છે. તેમ છતા અમને ભારત સરકારમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને આશા છે કે હાલમાં ચાલી રહેલી દ્વિપક્ષીય વેપારની ચર્ચા સકારાત્મક અને સમયસર ઉકેલમાં પરિણમશે.”

યુએસના બજારમાં તીવ્ર સંકોચન છતાં, એપ્રિલ-ડિસેમ્બર 2025 દરમિયાન ભારતની રત્ન અને ઝવેરાતની નિકાસ એકંદરે સ્થિર રહી છે, જે ઉદ્યોગની પ્રતિરોધકતાને દર્શવે છે. નવ મહિનાના સમયગાળા માટેની કામચલાઉ નિકાસ કુલ 20.75 બિલિયન ડોલર રહી છે, જે વાર્ષિક ધોરણે 0.41%નો નજીવો ઘટાડો દર્શાવે છે, જો કે ચલણની ગતિવિધિ અને સ્થિર વેપાર પ્રવાહને કારણે રૂપિયાના સંદર્ભમાં નિકાસમાં 3.69% વૃદ્ધિ નોંધાઈ છે.

આ ફ્લેટ દેખાવ બજારની સ્થિરતાને દર્શાવે છે, જેમાં ઝવેરાતની નિકાસમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે, ખાસ કરીને સોના, ચાંદી અને પ્લેટિનમની જ્વેલરી, જે કટ અને પોલિશ્ડ ડાયમંડ અને લેબ ગ્રોન ડાયમંડમાં સુસ્તીને સરભર કરે છે. આ વલણ ઉત્પાદન મિશ્રણના મહત્તમ ઉપયોગ, મૂલ્ય સંવર્ધન અને વૈવિધ્યસભર નિકાસ સ્થળો દ્વારા અનુકૂલન સાધવાની ઉદ્યોગની ક્ષમતાને દર્શાવે છે.

સ્થિરતાનું એક મુખ્ય પરિબળ ઉદ્યોગની મુક્ત વેપાર કરાર (FTA)નો લાભ લેવાની અને વૈકલ્પિક બજારોમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવવાની ક્ષમતા રહ્યું છે. સંયુક્ત આરબ અમીરાતમાં નિકાસ વાર્ષિક ધોરણે 28.08% વધીને 6.89 બિલિયન ડોલર થઈ છે, જ્યારે હોંગકોંગમાં નિકાસ 28.19% વધીને 4.25 બિલિયન ડોલર થઈ છે. ઓસ્ટ્રેલિયામાં થતી નિકાસમાં પણ મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે, જે 39.83% વધીને 277.76 મિલિયન ડોલર થઈ છે, જે વૈવિધ્યસભર અને FTA-સમર્થિત બજારોના વધતા મહત્વ પર ભાર મૂકે છે.

આ લાભોએ પસંદગીના વિકસિત બજારોમાં નબળી માગની અસરને ઘટાડવામાં મદદ કરી હતી.

વેપાર કરારોની ભૂમિકાના મહત્વને દર્શાવતાં ભણસાલીએ જણાવ્યું હતું કે, “યુએઈ અને ઓસ્ટ્રેલિયા સાથે મુક્ત વેપાર કરારો ઉદ્યોગ માટે નિર્ણાયક સમયે થયા છે. યુકે, ઓમાન અને ન્યુઝીલેન્ડ સહિતના દેશો સાથે તાજેતરના FTA, ​​ડ્યુટીમાં ઘટાડો કરીને તેમજ વેપાર આડેના અવરોધોને હળવા કરીને સ્પર્ધાત્મકતામાં ઓર વધારો કરશે. ભારત સરકાર હાલમાં બહુવિધ વેપાર કરારો માટે વાટાઘાટો કરી રહી છે, ત્યારે અમને વિશ્વાસ છે કે તેનાથી નવા બજારો ખુલશે અને ગુણવત્તા, મૂલ્ય અને વિશ્વાસના મોરચે વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિને મજબૂત બનાવશે.”

તેના પરિણામે, ભારતીય જેમ અને જ્વેલરી ઉદ્યોગ આજે કેટલાક પરંપરાગત બજારો પર આધારિત નથી. બજાર વૈવિધ્યકરણ આ ક્ષેત્ર માટે સૌથી મહત્વપૂર્ણ માળખાકીય પરિવર્તનોમાંથી એક તરીકે ઉભરી આવ્યું છે. નિકાસકારો પશ્ચિમ એશિયા, એશિયા-પેસિફિક, ઓસ્ટ્રેલિયા, લેટિન અમેરિકા અને અન્ય ઉભરતા ક્ષેત્રોમાં સતત તેમનો વ્યાપ વધારી રહ્યા છે, વધુ સંતુલિત અને ભવિષ્ય માટે તૈયાર નિકાસના આધારનું નિર્માણ કરી રહ્યા છે.

સોનાની વધતી જતી કિંમતો અંગે GJEPCના ચેરમેન શ્રી કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું કે, “એપ્રિલ-ડિસેમ્બર 2025 દરમિયાન, સોનાની સાદી ઝવેરાતની નિકાસ 7.72% વધીને 3816.97 મિલિયન ડોલર થઈ હતી. અહીં એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આ વધારો મોટાભાગે મૂલ્ય આધારિત હતો, કારણ કે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ગોલ્ડ બારના ભાવમાં 52%નો વધારો થયો હતો, જેના પરિણામે નિકાસના વોલ્યુમમાં ઘટાડો થયો હોવા છતાં નિકાસની આવકમાં વધારો થયો હતો.”

એપ્રિલ-ડિસેમ્બર 2025 દરમિયાન:

• એપ્રિલ-ડિસેમ્બર 2025 દરમિયાન કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ 8.99 બિલિયન ડોલર રહી છે, જે વાર્ષિક ધોરણે 7.85%નો ઘટાડો દર્શાવે છે, જેની પાછળના મુખ્ય કારણ ટેરિફ-સંબંધિત દબાણ અને યુએસની માગમાં ઘટાડો છે.

• આ સમયગાળા દરમિયાન પ્લેઈન અને સ્ટડેડ જ્વેલરી સહિત કુલ સોનાના દાગીનાની નિકાસ વાર્ષિક ધોરણે 7.28% વધીને 8.67 બિલિયન ડોલર થઈ છે. જેમાં પ્લેઈન ગોલ્ડની જ્વેલરીની નિકાસ મૂલ્યમાં 7.72% વધી છે, જ્યારે સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં 6.93%નો વધારો થયો છે.

• ચાંદીના દાગીનાની નિકાસ 44.36% વધીને 1.11 બિલિયન ડોલર થઈ છે.

• પ્લેટિનમ જ્વેલરીની નિકાસ 49.16% વધીને 195.65 મિલિયન ડોલર થઈ છે, જેને વિશિષ્ટ બજારોમાં વધતી સ્વીકૃતિની મદદ મળી છે.

• પોલિશ્ડ લેબ-ગ્રોન ડાયમંડની નિકાસ વાર્ષિક ધોરણે 10.28% ઘટીને 840.14 મિલિયન ડોલર થઈ છે.

• આ સમયગાળા દરમિયાન રંગીન રત્નોની નિકાસ 294.52 મિલિયન ડોલર રહી છે, જે વાર્ષિક ધોરણે 3.16% ઓછી છે.