અમદાવાદ, 25 માર્ચઃ ઇન્દોરમાં મુખ્યમથક ધરાવતી રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇપીસી સેવાઓ પ્રદાન કરતી લેક્સ્યો લિમિટેડે પોતાના IPO માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. આ ઇશ્યૂમાં કુલ રૂ. 150 કરોડ સુધીના નવા ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે.

કંપની ઇશ્યૂમાંથી મળનારી કુલ આવકનો ઉપયોગ લગભગ રૂ. 70 કરોડના બાકી ઉધારની પૂર્વચુકવણી અથવા ચુકવણી માટે કરાશે. ઉપરાંત સાધનોની ખરીદી માટે અંદાજે રૂ. 9.75 કરોડના મૂડી ખર્ચ માટે અને અંદાજે રૂ. 23 કરોડની કાર્યશીલ મૂડી જરૂરિયાતો માટે ફંડ ફાળવવામાં આવશે. બાકી રહેલી રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે.

બીઆરએલએમ સાથે ચર્ચા બાદ કંપની રૂ. 30 કરોડ સુધીના પ્રી-IPO પ્લેસમેન્ટ અંગે પણ વિચારી શકે છે.

ઇન્ટિગ્રેટેડ એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (ઈપીસી) કંપની તરીકે સ્થાપિત લેક્સ્યોએ 2007માં કામગીરી શરૂ કરી હતી અને હાલમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માઇનિંગ સેવાઓ, બોરિંગ ઓપરેશન્સ, ડ્રેજિંગ અને રીક્લેમેશન જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે.

દેવ પ્રકાશ શર્મા, જય પ્રકાશ શર્મા, યોગેશ શર્મા અને રાજેશ્વરી શર્મા કંપનીના પ્રમોટર્સ છે.

કંપની મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, ઓડિશા, દિલ્હી, કેરળ, ઉત્તર પ્રદેશ અને ગોવા સહિત અનેક રાજ્યોમાં હાજરી ધરાવે છે. કંપનીના બિઝનેસ મોડલમાં સ્પર્ધાત્મક બિડ આધારિત કરારો તેમજ વેલ્યુ આધારિત એન્ગેજમેન્ટ બંનેનો સમાવેશ થાય છે.

સરકારી અથવા સરકારી માલિકીની સંસ્થાઓ દ્વારા મળેલા પ્રોજેક્ટ્સ કંપનીના કુલ ઓર્ડર બુકમાં 80 ટકાથી વધુ યોગદાન આપે છે. જાન્યુઆરી 2026 સુધી કંપનીની ઓર્ડર બુક વેલ્યુ રૂ. 632.7 કરોડ નોંધાઇ હતી.

રેઝ બોરિંગના વિશિષ્ટ સેગમેન્ટમાં લેક્સ્યો ભારતની એકમાત્ર એવી કંપની તરીકે સ્થિત છે, જેના પાસે દેશમાં જ રેઝ બોરિંગ મશીનરી ઉપલબ્ધ છે. નાણાંકીય વર્ષ 2025 મુજબ અંદાજિત 22 ટકા માર્કેટ શેર સાથે કંપની ભારતની બીજી સૌથી મોટી રેઝ બોરિંગ ઓપરેટર છે, જેમાં પ્રથમ સ્થાને માસ્ટર ડ્રિલિંગ છે. રેઝ બોરિંગ ખાણકામમાં ઉપયોગ થતી સુરક્ષિત મિકેનિકલ પદ્ધતિ છે. વિસ્ફોટકોનો ઉપયોગ કરીને પથ્થર તોડવાના બદલે, મોટી ફરતી મશીન દ્વારા પથ્થરને કાપીને અથવા બોર કરીને સમાન સપાટી ધરાવતું છિદ્ર બનાવવામાં આવે છે. લૈક્સ્યોએ તાજેતરમાં ઝામ્બિયામાં કોન્ટ્રાક્ટ મેળવ્યો છે, જે કંપની માટે આફ્રિકન બજારમાં પ્રવેશ દર્શાવે છે, જ્યાં તે માસ્ટર ડ્રિલિંગ, મરે એન્ડ રોબર્ટ્સ અને રેડપાથ જેવી સ્થાપિત વૈશ્વિક કંપનીઓ સાથે સ્પર્ધા કરશે.

નાણાંકીય વર્ષ 2024 દરમિયાન કંપનીની ઓપરેશન્સમાંથી આવક રૂ. 175.2 કરોડ હતી, જે નાણાંકીય વર્ષ 2025માં વધીને રૂ. 212.7 કરોડ થઈ. ચોખ્ખો નફો નાણાંકીય વર્ષ 2023માં રૂ. 4.9 કરોડથી વધીને નાણાંકીય વર્ષ 2025માં રૂ. 11 કરોડ થયો છે અને 30 સપ્ટેમ્બર, 2025 સુધી ચોખ્ખો નફો રૂ. 6.2 કરોડ નોંધાયો હતો. જ્યારે એબિટા નાણાંકીય વર્ષ 2024માં રૂ. 19.3 કરોડથી વધીને નાણાંકીય વર્ષ 2025માં રૂ. 29.8 કરોડ થઇ છે.

IPO ડિસ્ક્લોઝર મુજબ લેક્સ્યો એનર્જી નાણાંકીય વર્ષ 2025માં પોતાના સર્વિસેબલ એડ્રેસેબલ માર્કેટ (SAM)નો અંદાજ રૂ. 37,129 કરોડ લગાવે છે, જે નાણાંકીય વર્ષ 2031 સુધી વધીને રૂ. 69,292 કરોડ થવાની ધારણા છે. રેલવે ઇપીસી, રેઝ બોરિંગ અને ડ્રેજિંગ સેગમેન્ટમાં હાજરીના આધારે કંપની નાણાંકીય વર્ષ 2031 સુધીમાં અંદાજે રૂ. 850 કરોડના સર્વિસેબલ ઓબ્ટેઇનેબલ માર્કેટ (એસઓએમ) મેળવવાનો લક્ષ્ય ધરાવે છે.

વિસ્તૃત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને મજબૂત નીતિ આધારનો લાભ મળી રહ્યો છે. નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (એનઆઈપી) અને નેશનલ મોનેટાઈઝેશન પાઇપલાઇન (એનએમપી) જેવી સરકારી પહેલ ખાનગી ક્ષેત્રની વધતી ભાગીદારી, સ્ટ્રક્ચર્ડ એસેટ મોનેટાઈઝેશન અને લાંબા ગાળાના કરારની તકોને પ્રોત્સાહન આપે છે. ઉપરાંત મલ્ટી-મોડલ કનેક્ટિવિટી માટેનો પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન 14 સરકારી વિભાગો વચ્ચે સંકલન સરળ બનાવે છે, જેના કારણે અગાઉના 33 મંજૂરી પ્રક્રિયાઓ ઘટીને 14 થઈ ગઈ છે. આથી અમલીકરણ કાર્યક્ષમતા સુધરી છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને ગતિ મળી છે, એમ કેન રિસર્ચ અનુસાર જણાવાયું છે.

વર્લ્ડ બેંકના જણાવ્યા અનુસાર જાહેર રોકાણ ખર્ચના તમામ પ્રકારોમાં સૌથી ઊંચું આર્થિક વળતર આપે છે. દરેક એક ડોલરનો ખર્ચ લગભગ 1.5 ડોલર જેટલી આર્થિક પ્રવૃત્તિ સર્જે છે, જે કરમાં છૂટછાટ અથવા નાણાંકીય ટ્રાન્સફર કરતાં નોંધપાત્ર રીતે વધુ છે.

લેક્સ્યો લિમિટેડના ઇક્વિટી શેરોને બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (એનએસઈ) પર લિસ્ટ કરવાની યોજના છે. ઇન્ડોરિયન્ટ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ આ ઇશ્યૂ માટે એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે.