રિઝર્વ બેન્કે છ મહિનામાં 25 ટન સોનું ખરીદ્યું, રિઝર્વ વધીને 880 ટન થઇ ગઇ
મુંબઇ, 13 મેઃ રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 2024-25ના અંતિમ છ મહિનામાં 25 ટન સોનું ખરીદ્યું હતું. તેના પગલે રિઝર્વ બેન્કનું કુલ ગોલ્ડ રિઝર્વ 879.59 ટન થયું હતું, જે સપ્ટેમ્બર-2024ના અંતે 854.73 મેટ્રિક ટન હતું. સમગ્ર વર્ષ 2024-25માં આરબીઆઈએ 57 ટનથી વધુ સોનું ખરીદ્યું હતું. છેલ્લાં સાત વર્ષમાં આ સૌથી વધુ ખરીદી જોવા મળી હતી. ગત વર્ષમાં સોનાના ભાવમાં 30 ટકાની તેજી જોવા મળી હતી.

ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો માર્ચ-25ના અંતે વધીને 11.70%, જે છ મહિના અગાઉ 9.32% હતો
આરબીઆઇના મેનેજમેન્ટ ઓફ ફોરેન એક્સચેન્જ રિઝર્વ અંગે અર્ધવાર્ષિક રિપોર્ટ મુજબ સ્થાનિક સ્તર પર તેનું ગોલ્ડ રિઝર્વ સાધારણ વધીને 511.99 ટન થયું હતું. આ ઉપરાંત 348.62 ટન સોનું બેન્ક ઓફ ઈંગ્લેન્ડ અને બેન્ક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટમાં રિઝર્વ તરીકે રાખ્યું હતું. 18.98 ટન સોનું ગોલ્ડ ડિપોઝીટ સ્વરૂપે હતું.
નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ છ મહિનામાં આરબીઆઈએ મોટાપાયે સોનું સ્થાનિક વોલ્ટમાં લાવી દીધું હતું. 31 માર્ચ, 2024ના રોજ સ્થાનિક વોલ્ટમાં 408 ટન સોનું હતું, જે વધીને 30 સપ્ટેમ્બર, 2024ના અંતે 510.46 ટન થઈ ગયું હતું. ભૌગોલિક-રાજકીય તણાવ વધે ત્યારે સામાન્ય રીતે આવું બનતું હોય છે. 1991 પછીથી ભારતે સ્થાનિક વોલ્ટમાં આટલા મોટા પ્રમાણમાં સૌપ્રથમવાર સોનું લાવી દીધું હતું.
દેશના કુલ વિદેશી હુંડિયામણ (ફોરેન એક્સચેન્જ રિઝર્વ)માં સોનાનો હિસ્સો માર્ચ-25ના અંતે વધીને 11.70% થયો હતો, જે છ મહિના અગાઉ 9.32% હતો. કુલ ફોરેક્સ રિઝર્વ ઘટીને $668.33 અબજ થયું હતું, જે સપ્ટેમ્બર-2024ના અંતે $705.78 અબજ હતું. આટલું રિઝર્વ દેશની 10.5 મહિનાની આયાત માટે પૂરતું છે, જે સપ્ટેમ્બર-2024ના અંતે 11.8 મહિનાની આયાત પૂરતું હતું.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
