દાવોસમાં અદાણી ગ્રુપ દ્વારા મહારાષ્ટ્રમાં છ લાખ કરોડના રોકાણનો પ્રસ્તાવ
દાવોસ, 23 જાન્યુઆરી, 2026: વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) ની 56મી વાર્ષિક બેઠકમાં અદાણી ગ્રુપે મહારાષ્ટ્રના વિકાસ માટેનો પોતાનો રોડમેપ રજૂ કર્યો છે. અદાણી જૂથે $66 બિલિયન (₹6 લાખ કરોડ)નું જંગી રોકાણ કરવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર સરકાર સાથે હસ્તાક્ષર કરાયેલા સમજૂતી કરાર (MoU) માં રોકાણના રોડમેપને ઔપચારિક બનાવવામાં આવ્યો હતો. ગ્રુપે જણાવ્યું હતું કે આ રોકાણ ફક્ત બાંધકામ ક્ષેત્ર પૂરતું જ મર્યાદિત નહીં હોય, પરંતુ રોજગાર, શહેરી વિકાસ અને ગ્રીન એનર્જીને પણ વેગ આપશે.

દાવોસમાં WEF બેઠક દરમિયાન અદાણી ગ્રુપે આગામી વર્ષોમાં રોકાણ યોજનાઓ વિશે માહિતી આપી હતી. અદાણી જૂથના પ્રસ્તાવિત રોકાણો ઉડ્ડયન, સ્વચ્છ ઉર્જા, શહેરી માળખાગત સુવિધા, ડિજિટલ પ્લેટફોર્મ અને અદ્યતન ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં કરવામાં આવશે. આ રોકાણ આગામી દસ વર્ષમાં તબક્કાવાર કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં અદાણી ગ્રુપ દેશના સૌથી પડકારજનક શહેરી પ્રોજેક્ટ્સમાંના એક એવા ધારાવીના પુનર્વિકાસને પ્રાધાન્ય આપશે. આ યોજના હેઠળ એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીને એક વ્યવસ્થિત અને આર્થિક રીતે સક્ષમ વિસ્તારમાં રૂપાંતરિત કરવામાં આવશે. જેનાથી અહીંના રહીશો માટે રહેવાની, કામ કરવાની અને વ્યવસાયિક સુવિધાઓમાં સુધારો થશે.
દાવોસ ખાતે મીડિયાકર્મીઓ સાથે વાત કરતા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે “રાજ્ય તેની વિકાસ પ્રાથમિકતાઓ સાથે સુસંગત લાંબા ગાળાના રોકાણકારોનું સ્વાગત કરે છે, તેમણે ભાર મૂક્યો કે રોજગાર સર્જન, કૌશલ્ય વિકાસ અને વિકાસનો વેગ જાળવી રાખવા સતત રોકાણો મહત્વપૂર્ણ છે.
અદાણી ગ્રુપ નવી મુંબઈને એક મુખ્ય વિકાસ કેન્દ્ર તરીકે વિકસાવી રહ્યું છે. 25 ડિસેમ્બરથી કાર્યરત નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક મુંબઈની આસપાસના ક્ષેત્રમાં હવાઈ મુસાફરી ક્ષમતામાં વધારો તેમજ લોજિસ્ટિક્સ, હોટેલ ઉદ્યોગ અને વ્યાપારી વિકાસને વેગ આપશે.
અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) ના ડિરેક્ટર પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે “મહારાષ્ટ્રમાં ગ્રુપના રોકાણોનું આયોજન લાંબા ગાળાના વિઝનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. આ રોકાણો ભવિષ્ય માટે તૈયાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ બનાવવા પર કેન્દ્રિત છે જે આગામી 7-10 વર્ષોમાં આર્થિક વૃદ્ધિ, ઊર્જા પરિવર્તન અને ડિજિટલ વિસ્તરણને મજબૂતી આપનારા બનશે.”
નવા રોકાણથી રોજગાર સર્જનની સાથે અર્થતંત્રને લાંબા ગાળાના લાભો થશે. આગામી 7 થી 10 વર્ષમાં તબક્કાવાર થનારા આ રોકાણમાં 3,000 મેગાવોટની ક્ષમતા ધરાવતા ગ્રીન ડેટા સેન્ટર પાર્કનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એરપોર્ટ નજીક એક એરેના ડિસ્ટ્રિક્ટ, કોલસા આધારિત પ્રોજેક્ટ્સ, 8,700 મેગાવોટ પમ્પ્ડ સ્ટોરેજ પાવર પ્રોજેક્ટ તેમજ સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન યુનિટ જેવી યોજનાઓ છે.
નવા રોકાણો ફક્ત માળખાગત સુવિધાઓ બનાવવા કે સંપત્તિ સર્જન પૂરતા જ મર્યાદિત નથી, પરંતુ એક એવી ઇકોસિસ્ટમ બનાવશે જે મોટા પાયે રોજગારી સર્જન, પર્યાવરણને અનુકૂળ અને વૈશ્વિક અર્થતંત્રમાં ભારતનો પ્રભાવ વધારતી હોય.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
