અમદાવાદ, 19 જાન્યુઆરી

મલાબાર ગ્રૂપના ચેરમેન એમપી અહમદે ચેતવણી આપી છે કે ભારતમાં સોનાના ભાવ નિર્ધારણમાં કેટલીક ઉભરતી પ્રેક્ટિસિસ સ્થાપિત નિયમોથી અલગ છે અને તેનાથી દેશના સોનાના ટ્રેડની લાંબા સમયથી ચાલી આવતી વિશ્વસનીયતાને નુકશાન થવાનું જોખમ છે.

તેમણે કહ્યું હતું કે સોનાના ભાવ મુખ્યત્વે ત્રણ પરિબળોથી નક્કી થાય છેઃ આંતરરાષ્ટ્રીય સોનાની કિંમતો, યુએસ ડોલરની તુલનામાં ભારતીય રૂપિયાનો એક્સચેન્જ રેટ અને ઇમ્પોર્ટ ડ્યુટી. જોકે, કસ્ટમ ડ્યુટી એક નિર્ધારિત સમય માટે ફિક્સ રહે છે, પરંતુ વૈશ્વિક કિંમતો અને ચલણના મૂલ્યમાં વધઘટથી દૈનિક કિંમતોમાં સુધારો જરૂરી બને છે.

પરંપરાગત રીતે સોનાના ભાવ ટ્રેડ એસોસિયેશન દ્વારા પારદર્શક અને વિશ્વસનીય રીતે નક્કી કરવામાં આવે છે અને સવારે 9.30 વાગ્યા પહેલાં પ્રકાશિત કરવામાં આવે છે. દિવસ માટે નિર્ધારિત ભાવ ફક્ત અપવાદરૂપ માર્કેટ વોલેટાલિટીના કિસ્સામાં જ સુધારવામાં આવે છે.

જોકે, એમપી અહમદે ઉલ્લેખ કર્યો છે કે કેટલાક કિસ્સાઓમાં ટ્રેડર્સનો એક વર્ગ ગ્રાહકોને સ્પષ્ટ વાજબી કારણ આપ્યાં વગર નિર્ધારિત પદ્ધતિની વિરુદ્ધ મનસ્વી રીતે ભાવમાં વધારો કરી રહ્યો છે. તેમણે ચેતવણી આપી હતી કે આવી પ્રેક્ટિસિસ આ સેક્ટરમાં વિશ્વાસને ઓછો કરી શકે છે તેમજ ગ્રાહકો, રોકાણકારો અને ઉદ્યોગના હિસ્સેદારોમાં ચિંતા પેદા કરી શકે છે. તેમણે સંબંધિત દરેક વ્યક્તિઓને એવી કામગીરીથી દૂર રહેવા વિનંતી કરી છે કે જે ટ્રેડની વિશ્વસનીયતા સાથે ચેડા કરે છે.

તેમણે ઉમેર્યું હતું કે, ગ્રાહકોની હિત મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ માટે ટોચની પ્રાથમિકતા છે અને તમામ બિઝનેસ પ્રેક્ટિસિસ પારદર્શિતા અને ન્યાયીપણા દ્વારા સંચાલિત થવી જોઈએ. તેમણે કંપનીની ‘વન ઇન્ડિયા વન ગોલ્ડ રેટ’ પહેલ અંગે પણ જાણકારી આપી હતી કે જે રાજ્યોમાં ભાવ અસમાનતાને દૂર કરવા માટે રજૂ કરવામાં આવી હતી. દેશભરમાં ટેક્સ રેટ સમાન હોવાથી સોનું કે જેની કિંમત આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક સાથે જોડાયેલી છે, તે દેશભરમાં સમાન ભાવે વેચવું જોઈએ.