દીનદયાળ બંદર પ્રાધિકરણ (DPA), કંડલા,તા. 17, જામનગર, ગુજરાત: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ, વૈશ્વિક ઊર્જા પડકારોની વચ્ચે પણ ઊર્જા સુરક્ષા અને સપ્લાય ચેઇનની અવિરતતા સુનિશ્ચિત કરી રહ્યું છે. મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કાર્યક્ષમ બંદર વ્યવસ્થા અને ઝડપી લોજિસ્ટિક્સ સિસ્ટમના કારણે ભારત આજે વૈશ્વિક ઊર્જા સપ્લાય ચેઇનમાં વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે.

આ જ દિશામાં એક મહત્વપૂર્ણ વિકાસરૂપે, MT Nanda Devi નામનું Mother Vessel વાડીનાર (જામનગર) નજીકના એન્કરેજ પર 46,500 મેટ્રિક ટન Liquefied Petroleum Gas (LPG) લઈને સફળતાપૂર્વક પહોંચ્યું છે. આ સાથે જ, LPGનું Ship-to-Ship (STS) ટ્રાન્સફર ઓપરેશન શરૂ થવા જઈ રહ્યું છે, જેમાં આ જથ્થો MT BW Birch જહાજમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

Ship-to-Ship ટ્રાન્સફર જેવી આધુનિક દરિયાઈ પ્રક્રિયાઓ મોટા જહાજોમાંથી ઊર્જા માલને અન્ય જહાજોમાં ઝડપથી અને સુરક્ષિત રીતે પરિવહન કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ પ્રક્રિયા દ્વારા બંદર પર દબાણ ઘટાડવામાં આવે છે, સમય અને ખર્ચ બંનેમાં બચત થાય છે અને સમગ્ર સપ્લાય ચેઇન વધુ કાર્યક્ષમ બને છે.

દીનદયાળ બંદર પ્રાધિકરણ (DPA) દ્વારા સંચાલિત આ કામગીરી ભારતના બંદરોની આધુનિક ક્ષમતાઓ, ઉચ્ચ સ્તરની સલામતી વ્યવસ્થાઓ અને વૈશ્વિક ધોરણોને અનુરૂપ કામગીરીને દર્શાવે છે. આ સાથે ભારત ઊર્જા ક્ષેત્રમાં વિશ્વસનીય અને કાર્યક્ષમ હબ તરીકે પોતાની સ્થિતિને વધુ મજબૂત બનાવી રહ્યું છે.

આ પ્રસંગે, દીનદયાળ બંદર પ્રાધિકરણના અધ્યક્ષ શ્રી સુશીલ કુમાર સિંહે Mother Vessel MT Nanda Devi ની મુલાકાત લીધી હતી. તેમણે જહાજના કેપ્ટન અને ક્રૂ સાથે સંવાદ કરી STS ઓપરેશનની તૈયારીઓ, સલામતી માપદંડો અને કામગીરીની સમીક્ષા કરી હતી. તેમની હાજરીથી સમગ્ર કામગીરીને પ્રોત્સાહન મળ્યું હતું અને અધિકારીઓને માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.

આ પ્રકારની કામગીરીઓ ‘આત્મનિર્ભર ભારત’, ‘ગતિ શક્તિ’ અને મજબૂત લોજિસ્ટિક્સ નેટવર્કના રાષ્ટ્રીય વિઝનને આગળ ધપાવતી સાબિત થાય છે. ભારતના બંદરો દ્વારા આવી કાર્યક્ષમતાનું સતત પ્રદર્શન દેશની ઊર્જા સુરક્ષા, આર્થિક વિકાસ અને વૈશ્વિક પ્રતિષ્ઠાને નવી ઊંચાઈઓએ લઈ જઈ રહ્યું છે.

“ભારત હવે માત્ર ઊર્જાનો વપરાશકર્તા નથી — પરંતુ વૈશ્વિક ઊર્જા સપ્લાય ચેઇનનો વિશ્વસનીય અને સશક્ત સ્તંભ બની રહ્યો છે.”