India-EU FTA Deal: યુરોપિયન દેશોમાં વસ્ત્રોની નિકાસ 25 ટકા વધશે, ભાવ 10થી 15 ટકા ઘટશે
| ટેક્સટાઈલ હબ ગણાતા ગુજરાતના ડેનિમ, કોટન, પોલિસ્ટર ઉદ્યોગને વેગ મળશે, રોજગારી વધશે | એફટીએના લીધે ચીન, બાંગ્લાદેશ, વિયેતનામને આકરી સ્પર્ધા આપવાની તક | 2032માં મુક્ત વેપાર કરારના કારણે ઈયુ સાથેનો વેપાર બમણો થશે |

અમદાવાદ, તા. 28: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઈતિહાસની સૌથી મોટી એફટીએ કરાર થયો છે. જે દેશની કુલ નિકાસમાં 9 ટકા હિસ્સો ધરાવતા ટેક્સટાઈલ અને એપરલ સેક્ટર માટે ગેમ-ચેન્જર બનવાની અપેક્ષા છે. આ કરાર EUના 263.5 અબજ ડોલર (અંદાજે રૂ. 24.42 લાખ કરોડ)ના કાપડ બજારમાં શૂન્ય-ડ્યુટી ઍક્સેસ પ્રદાન કરે છે, જે ભારતની ઈયુ ટેક્સટાઈલ-એપરલ નિકાસ હિસ્સામાં પાંચ ગણો વધારો કરશે.
હાલમાં, EUમાં ભારતીય કાપડ નિકાસ પર 12-16% ના ટેરિફનો સામનો કરવો પડે છે, જે તેમને બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશો કરતા ઓછા સ્પર્ધાત્મક બનાવે છે. FTA સાથે, આગામી પાંચ વર્ષમાં ભારતની EUમાં વસ્ત્રોની નિકાસ 5.5 અબજ ડોલરથી વધી બમણી 11 અબજ ડોલરથવાની અપેક્ષા છે. વધુમાં 2030 સુધીમાં ટેક્સટાઈલ અને એપરલ નિકાસ 100 અબજ સુધી પહોંચવાની સંભાવના છે.

એફટીએના લીધે દેશની કુલ ટેક્સટાઈલ નિકાસમાં બીજુ ટોચનું નિકાસકાર રાજ્ય ગુજરાત માટે તકો વધી છે. ગુજરાતનું ટેક્સટાઈલ માર્કેટ યુરોપના વિવિધ દેશોમાં પોતાની નિકાસ વધારવા પર ફોકસ કરશે. જે રાજ્યના કાપડ ક્ષેત્રમાં નિકાસમાં વધારો અને રોજગાર સર્જન કરશે. ઝીરો ડ્યુટીના લીધે રેડીમેડ ગારમેન્ટ 10થી 15 ટકા સસ્તા થશે.
ઈયુ ટેક્સટાઈલ માર્કેટમાં ભારતનો હિસ્સો 25 ટકા થશે
વિશ્વભરમાં એપરલની કુલ આયાતમાં 18 ટકા હિસ્સા સાથે યુરોપિયન યુનિયન ટોચનું રેડીમેડ ગાર્મેન્ટ (આરએમજી) ટોચનું માર્કેટ ધરાવે છે. ઈયુમાં ભારતનો આયાત હિસ્સો માત્ર 5 ટકા છે. જેની પાછળનું કારણ 12થી 16 ટકા ડ્યુટી છે. હાલમાં જ જીએસપી લાભ દૂર થતાં ભારત પર આયાત ડ્યુટી 9.6 ટકાથી વધી 12 ટકા થઈ છે. જ્યારે તેના હરીફ ચીન, બાંગ્લાદેશ, વિયેતનામમાં ઝીરો ડ્યુટી હોવાથી તેનો ઈયુ આયાતમાં હિસ્સો 30 ટકા સુધી છે. એફટીએના અમલીકરણથી એપરલ-ટેક્સટાઈલ સેગમેન્ટમાં ભારતનો આયાત હિસ્સો પાંચ ગણો વધી 25 ટકા થવાની અપેક્ષા છે. અને હરીફ દેશોને મજબૂત સ્પર્ધા આપી શકીશું.
શ્રમ-સઘન ક્ષેત્રોમાં રોજગારી વધશે: આ કરાર કાપડ, વસ્ત્ર, ચામડું અને ફૂટવેર સહિતના શ્રમ-સઘન ક્ષેત્રોને લાભ આપશે તેવી અપેક્ષા છે, નવી રોજગારીની તકો ઊભી કરશે અને નિકાસમાં વધારો કરશે. EU કાપડ અને વસ્ત્રો માટે ભારતનું બીજું સૌથી મોટું નિકાસ સ્થળ છે, અને આ કરાર ભારતને વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાત્મક ખેલાડી બનવામાં મદદ કરશે.
ભારત-એફટીએ કરારના મુખ્ય લાભો
| શૂન્ય-ડ્યુટી ઍક્સેસ: ભારતીય કાપડ અને વસ્ત્રોની નિકાસ ઈયુ બજારમાં ડ્યુટી-મુક્ત પ્રવેશ કરાશે, જેનાથી તેઓ વધુ સ્પર્ધાત્મક બનશે. | નિકાસ વધશે: EUમાં ભારતની વસ્ત્રોની નિકાસ વાર્ષિક ધોરણે 20-25% વધી શકે છે. | રોજગારી સર્જન: કાપડ ક્ષેત્ર ભારતમાં સીધી 4.5 કરોડ લોકોને રોજગારી આપે છે, અને આ કરાર રોજગાર વૃદ્ધિને ટેકો આપશે. |
ગુજરાતનું ટેક્સટાઇલ સેક્ટર પર વર્ચસ્વ
ગુજરાતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીએ 2023-24માં 5749 મિલિયન ડોલરની ટેક્સટાઈલ નિકાસ કરી હતી. જે દેશના ડેનિમ ઉત્પાદનમાં લગભગ 60-70% હિસ્સા સાથે ભારતની ડેનિમ રાજધાની ગણાય છે. કપાસ ઉત્પાદનમાં પણ 37 ટકા ઉપરાંત સિન્થેટિક ફાઇબરમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. વધુમાં દેશના કુલ માનવસર્જિત કોટન ફાઇબર ઉત્પાદનમાં આશરે 5% ફાળો આપે છે. નિકાસ અને ઉત્પાદન વધારવા રાજ્ય નવી નીતિઓ દ્વારા ઉચ્ચ-મૂલ્યવર્ધિત વસ્ત્રોમાં તેનો હિસ્સો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
