ભારતીય બજારોમાં સતત મોમેન્ટમ સંચાલિત ટ્રેન્ડના બદલે કન્સોલિડેટ થવાની સંભાવના
મુંબઈ, 19 મે: ભારતીય ઇક્વિટી બજારો તેના તાજેતરના મોમેન્ટમ સંચાલિત ટ્રેન્ડને આગળ ધપાવવાના બદલે કન્સોલિડેશનના તબક્કામાં પ્રવેશે તેવી શક્યતા છે કારણ કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને નવા ઇક્વિટી ઇશ્યૂઅન્સના સ્થિર પુરવઠાને નાણાંકીય વર્ષ 2026માં માર્કેટ પર્ફોર્મન્સ પર સંભવિત દબાણ તરીકે દર્શાવવામાં આવ્યા છે.

ફ્રેન્કલિન ટેમ્પલટન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે આગાહી કરી છે કે વૈશ્વિક પૃષ્ઠભૂમિક અસ્પષ્ટ છે અને ટ્રેડ પોલિસીની અનિશ્ચિતતાઓ તથા ટેરિફમાં વધારો મૂડી ખર્ચના નિર્ણયો પર અસર કરી રહ્યા છે. આ માહોલના લીધે અનેક કંપનીઓએ નીતિગત બાબતોમાં વધુ સ્પષ્ટતા શોધતા ખાનગી મૂડીખર્ચના નિર્ણયોમાં વિલંબ કર્યો છે, એમ ફ્રેન્કલિન ઇક્વિટી ઈન્ડિયાના સીઆઈઓ આર. જાનકીરમણે જણાવ્યું હતું.
ફંડ હાઉસે ચેતવણી ઉચ્ચારી છે કે નવા ઇક્વિટી સપ્લાયના ઉચ્ચ સ્તરો નજીકના ગાળામાં ઇક્વિટી વળતરને ખોરવી શકે છે. લાર્જ કેપ વેલ્યુએશન આકર્ષક લાગે છે પરંતુ મીડ અને સ્મોલ કેપ સેગમેન્ટ્સ હજુય તેમની લાંબા ગાળાની સરેરાશથી વધુ છે જે વિવિધ માર્કેટ કેપિટલાઇઝેશન અને સેક્ટર્સમાં ડાયવર્સિફિકેશનના મહત્વ પર ફરીથી ભાર મૂકે છે.
ફ્રેન્કલિન ટેમ્પલટને ભલામણ કરી છે કે રોકાણકારો હાઇબ્રિડ ફંડ્સ વિચારી શકે છે જે કન્સોલિડેટિંગ કે અનિશ્ચિત બજાર તબક્કામાં વધુ સારા રિસ્ક-એડજસ્ટેડ વળતર આપી શકે છે. વૈશ્વિક પડકારો છતાં ભારતના સ્થાનિક વિકાસની સંભાવના સ્થિતિસ્થાપક રહે છે જે નીચેની બાબતો દ્વારા સમર્થિત છેઃ
રૂપિયાનો ઘટેલો વાસ્તવિક અસરકારક વિનિમય દર | તેલની નીચી કિંમતો જે ચાલુ ખાતાની ખાધ ઘટાડે છે |
તંદુરસ્ત કોર્પોરેટ બેલેન્સ શીટ્સ | આરબીઆઈનું વિકાસ તરફી વલણ અને પૂરતી તરલતા |
આ મેક્રો પડકારો ખાસ કરીને બેંકો અને એનબીએફસીને લાભ કરે છે, ધિરાણનો પ્રવાહ વધારે છે અને એકંદરે આર્થિક ગતિને વેગ આપે છે, એમ જાનકીરમણે ઉમેર્યું હતું.
ફ્રેન્કલિન ટેમ્પલટન નાણાંકીય વર્ષ 2025ના ચોથા ત્રિમાસિક ગાળામાં મીડ-સિંગલ ડિજિટ ગ્રોથ સાથે નબળી કામગીરીની ધારણા રાખે છે પરંતુ નાણાંકીય વર્ષ 2026 માટે 13 ટકા સર્વસંમતિપૂર્ણ આવક વૃદ્ધિનો અંદાજ જાળવી રાખે છે. સાથેસાથે એવી ચેતવણી પણ આપે છે કે બજારો આવકમાં સંભવિત ઘટાડા પ્રત્યે સંવેદનશીલ રહેશે.
ફિક્સ્ડ ઇન્કમની બાબતે ફંડ હાઉસ યિલ્ડ કર્વના ટૂંકા અને મધ્યમ અંતમાં સાનુકૂળ તકો જુએ છે અને વૈશ્વિક સ્તરે કોમોડિટીની નીચી કિંમતો, ચીનમાં ઉત્પાદન ક્ષેત્રે નબળાઈ અને અમેરિકામાં સ્ટેગફ્લેશન અને જાપાનમાં દરોમાં વધારો જેવા પોલિસી જોખમોનો ઉલ્લેખ કરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)