મુંબઇ, 24 મેઃ F&O 2.0માં ઓપન ઇન્ટરેસ્ટની ગણતરી (ડેલ્ટા OI) જે ફ્યુચર્સ ઇક્વિવેલેન્ટ પદ્ધતિ (FutEq) તરીકે પણ ઓળખાય છે તેના આધારે કરાશે અને તેમાં પ્રત્યેક કોન્ટ્રાક્ટની ભાવ સંવેદનશીલતા ધ્યાનમાં લેવામાં આવશે. સેબીનું માનવું છે કે નોશનલ ઓપન ઇન્ટરેસ્ટની ગણત્રી કરતાં આ પદ્ધતિ અપનાવવાના કારણે જોખમનું વધુ વાસ્તવિક ચિત્ર ઉપસશે અને તે તમામ માર્કેટ પાર્ટીસીપન્ટ્સને રિસ્ક મેનેજમેન્ટ વધુ સારી રીતે કરવામાં મદદગાર નિવડશે. કોઇ પણ સમયે ઓપન ઇન્ટરેસ્ટની ગણત્રી ડેલ્ટા F&Oમાંની તમામ ઓપન પોઝીશન્સના ડેલ્ટા એડજસ્ટેડ ઓપન ઇન્ટરેસ્ટના સમગ્રતયા મળતા ચિત્રના આધારે કરવામાં આવશે. આ નવી પદ્ધતિના આધારે મળેલા ઓપન ઇન્ટરેસ્ટનો આધાર લઇને ઓપ્શન્સ માટેની પોઝીશન લિમિટ પણ ઘણી વધારે રહેવાનો અંદાજ છે. મળતી જાણકારી પ્રમાણે સેબીની પેનલ દિવસના અંતે ઇન્ડેક્સોમાં ઓપન ઇન્ટરેસ્ટ મર્યાદા રૂ. 1500 કરોડની અને ગ્રોસ ધોરણે રૂ. 10000 કરોડની ( લોંગ અને શોર્ટ ડેલ્ટા પ્રત્યેકની) મંજૂર કરવાની તૈયારીમાં છે. આ પહેલાની દરખાસ્તમાં આ લિમિટો અનુક્રમે રૂ. 500 કરોડ અને રૂ. 1500 કરોડની રાખવાનો પ્રસ્તાવ હતો, પરંતુ પોઝીશન્સના ભૂતકાળના ડેટાના એનાલીસીસ અને માર્કેટ પાર્ટીસીપન્ટ્સ તરફથી મળેલા પ્રતિભાવોના આધારે આટલી વધુ મર્યાદા મંજૂર કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. આવી લિમિટ બજારની સ્થિરતા અને પાર્ટીસીપન્ટ્સને પૂરતી લિમિટ મળે એ બંન્ને વચ્ચે સંતુલન જાળવશે. વાત માત્ર આટલેથી જ અટકતી નથી.

ઇન્ડેક્સ ઓપ્શન્સની ઇન્ટ્રાડે પોઝીશન્સના મોનિટરીંગમાંથી મુક્તિ પણ મળવાની છે. આ ફેરફારના પગલે સોદો કરનાર વર્ગ,દલાલો, એક્સચેન્જો અને ક્લીયરીંગ કોર્પોરેશનને ઘણી રાહત મળશે. ઇન્ડેક્સ ઓપ્શન્સમાં આ રીતે ઇન્ટ્રાડે પોઝીશન્સનું મોનિટરીંગ ન થાય તો માર્કેટ મેકીંગ(જોબીંગ)ને પ્રોત્સાહન મળશે અને એના કારણે પ્રવાહિતા તો વધશે જ પણ સાથે સાથે વોલ્યુમ વધવાનો લાભ પણ થશે. જોકે આવી મુક્તિની સાથે સાથે એક્સચેન્જો દ્વારા સંયુક્તપણે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર અપનાવી ઇન્ટ્રાડે ધોરણે ટોપ પાર્ટીસીપન્ટ્સનું સર્વેલન્સની દ્રષ્ટીએ મોનિટરીંગ કરીને જરૂરી જણાય ત્યાં યોગ્ય પગલાં પણ લેવાશે.

ઇન્ડેક્સ ફ્યુચર્સની પોઝીશન્સ ઓપ્શન્સની પોઝીશન્સ કરતાં પ્રમાણમાં ઓછી જોખમી હોવાનું બજારનો વર્ગ માને છે અને એ મત સાથે સત્તાવાળાઓ પણ સંમત હોવાનું જણાય છે. પરિણામે માર્કેટ પાર્ટીસીપન્ટ્સને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં વધારે એક્સપોઝર મળવાની સંભાવના છે. જોકે એ મર્યાદા કેટેગરી અનુસાર અને ગ્રોસ નોશનલ વેલ્યૂના આધારે ગણત્રી કરાયેલ ઓપન ઇન્ટરેસ્ટમાં હશે. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર (એફપીઆઇ) કેટેગરી વન અને મ્યુચ્યુઅલ ફંડ્સ માટે આવી મર્યાદા રૂ. 500 કરોડ કે કુલ ઓપન ઇન્ટરેસ્ટના 15 ટકા, બે માંથી જે વધારે હોય તે નક્કી કરાશે. એફપીઆઇ કેટેગરી ટૂમાં આવતાં વ્યક્તિગત, ફેમિલી ઓફીસીસ અને કોર્પોરેટ્સ સિવાયના એફપીઆઇ માટે આવી મર્યાદા રૂ. 500 કરોડ કે કુલ ઓપન ઇન્ટરેસ્ટના 10 ટકા, બે માંથી જે વધારે હોય તે નક્કી કરાશે. તે જ રીતે એફપીઆઇ કેટેગરી ટૂમાં આવતાં વ્યક્તિગત, ફેમિલી ઓફીસીસ અને કોર્પોરેટ્સ માટે આવી લિમિટ રૂ. 500 કરોડ કે કુલ ઓપન ઇન્ટરેસ્ટના 5 ટકા, બે માંથી જે વધારે હોય તે નક્કી કરાશે. માર્ચ 2020થી રૂ. 500 કરોડની એક સમાન લિમિટ અમલમાં છે. ઓક્ટોબર 2024ના સર્ક્યુલર પ્રમાણે દલાલો માટે ક્લાયન્ટ્સ અને પ્રોપ્રાયટરી સોદા મળીને ઓપન ઇન્ટરેસ્ટના 15 ટકા કે રૂ. 7500 કરોડ, બેમાંથી જે વધુ થાય એ લિમિટ યથાવત રહેવાની સંભાવના છે. હેજીંગ, કેશ અને કેશ ઇક્વિવીલન્ટ્સના લાભો આ મર્યાદા ઉપરાંતના રહેશે. પૂર્વે રૂ. એક હજાર કરોડની ઇન્ટ્રાડે અને રૂ. 2500 કરોડની એન્ડ ઓફ ધ ડે લિમિટ સૂચવાઇ હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)