સોનાના વધતા ભાવને કારણે ગોલ્ડ લોનમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના લીધે તહેવારો પછીના સમયમાં રિટેલ ધિરાણમાં તંદુરસ્ત ઉછાળો જોવા મળ્યોપહેલીવાર લોન લેનારા લોકોમાં યુવા ઋણ લેનારાઓનું પ્રમાણ વધ્યું છે, ખાસ કરીને ઘરવપરાશની વસ્તુઓ અને પર્સનલ લોન લેવામાં યુવાનો મોખરે રહ્યા છેજીએસટી દરોમાં ફેરફાર અને સુધારાને કારણે રિટેલ ક્રેડિટમાં વૃદ્ધિ જોવા મળી છે, જે ખાસ કરીને તહેવારો પછીના બીજા મહિનાથી સ્થિર થઈ છે

અમદાવાદ, 31 માર્ચ: વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં થયેલા તીવ્ર વધારાને પગલે ગોલ્ડ લોનમાં નોંધાયેલી મજબૂત વૃદ્ધિના ટેકે, ડિસેમ્બર 2025ના ત્રિમાસિક ગાળામાં, ભારતના ક્રેડિટ માર્કેટ ઈન્ડિકેટર (સીએમઆઈ)1 માં વાર્ષિક અને ત્રિમાસિક એમ બંને ધોરણે વૃદ્ધિ નોંધાઈ છે. જોકે, તહેવારો પછીના સમયમાં રિટેલ ક્રેડિટ સપ્લાય પૂર્વવત સામાન્ય થયો છે. જીએસટી દરોમાં કરાયેલાં ફેરફારને કારણે આવેલી તેજી હવે ધીમી પડીને 2024ના અંતના સ્તરે પાછી ફરી છે, જે ટૂંકા ગાળાની માંગમાં મોસમી ઘટાડો આવ્યો હોવાનું દર્શાવે છે.
ટ્રાન્સયુનિયન સિબિલના માર્ચ 2026ના ક્રેડિટ માર્કેટ રિપોર્ટ મુજબ, ડિસેમ્બર 2025ના ત્રિમાસિક ગાળામાં કન્ઝ્યુમર ક્રેડિટ માર્કેટ ઇન્ડિકેટર (CMI) વધીને 102 થયો હતો, જે ડિસેમ્બર 2024ના ત્રિમાસમાં 97 હતો. સપ્ટેમ્બર 2025ના અગાઉના ત્રિમાસમાં આ આંકડો 100 હતો, જેની સરખામણીએ ડિસેમ્બર 2025માં તેમાં બે પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. ડિસેમ્બર 2025ના ત્રિમાસનો આ સીએમઆઈ સતત ત્રીજા ત્રિમાસિક ગાળામાં થયેલો સુધારો દર્શાવે છે.
ટ્રાન્સયુનિયન સિબિલના એમડી અને સીઈઓ ભાવેશ જૈને જણાવ્યું હતું કે, “રિટેલ ક્રેડિટ ગ્રોથમાં બદલાવના સંકેતો મળી રહ્યા છે, જેમાં ગોલ્ડ લોન જેવી સુરક્ષિત પ્રોડક્ટ્સ સિવાય પણ પ્રથમ વખત લોન લેનારા અને યુવા ઋણ લેનારાઓ તરફથી વપરાશની માંગ વધી રહી છે. જોકે તહેવારો પછી લોનના પુરવઠામાં જે ઘટાડો આવ્યો છે તે મોસમી વલણ દર્શાવે છે, પરંતુ ક્રેડિટ પરફોર્મન્સમાં થયેલો એકંદર સુધારો ભારતના ક્રેડિટ માર્કેટની મજબૂતી અને પરિપક્વતાને વધુ દ્રઢ બનાવે છે.”

બિન-મેટ્રો શહેરો અને પહેલીવાર લોન લેનારા ગ્રાહકો ક્રેડિટની માંગમાં વધારો કરી રહ્યા છે.
ડિસેમ્બર 2024ના ત્રિમાસિકમાં માંગ અંગેનો સીએમઆઈ 92 હતો, જે ડિસેમ્બર 2025ના ક્વાર્ટરમાં વધીને 96 થયો હતો. આ વધારો મુખ્યત્વે અર્ધ-શહેરી અને ગ્રામીણ ગ્રાહકોની મજબૂત માંગને કારણે નોંધાયો છે. કુલ રિટેલ ઉધાર લેનારાઓમાં તેમનો હિસ્સો વધીને 54% થયો છે, જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ ત્રણ ટકાનો વધારો દર્શાવે છે. પહેલીવાર લોન લેનારા ગ્રાહકોનો હિસ્સો પણ એક ટકા વધીને કુલ ઉધાર લેનારાઓના 15% થયો છે.
તહેવારો પછીના સમયગાળામાં, ઓટો લોનનું પ્રમાણ ગયા વર્ષના સ્તર મુજબ સુધર્યું છે, જેને મુખ્યત્વે 5થી 10 લાખ રૂપિયાની સસ્તી મધ્યમ શ્રેણીની કારોના વધેલા પુરવઠાનો ટેકો મળ્યો છે. 2024ની સરખામણીએ, 2025માં તહેવારો પછીના સમયગાળામાં ઓટો લોનના સરેરાશ દૈનિક પુરવઠામાં 10%નો વધારો થયો છે.

“બિન-મેટ્રો અને અર્ધ-શહેરી બજારોમાં ક્રેડિટની માંગનું સતત થઈ રહેલું વિસ્તરણ, ભારતના ધિરાણ ક્ષેત્રમાં થઈ રહેલા માળખાકીય પરિવર્તનને દર્શાવે છે. પરંપરાગત શહેરી કેન્દ્રો સિવાયના પ્રદેશોમાં ઔપચારિક ધિરાણની પહોંચ વ્યાપક બનવાની સાથે જ ભૌગોલિક રીતે વૈવિધ્યસભર ઋણ લેનારાઓના બેઝ ઉદભવી રહ્યો છે. આ વલણ ક્રેડિટ જાગૃતિમાં સુધારો, ધિરાણકર્તાઓ દ્વારા વિસ્તૃત વિતરણ અને આ ક્ષેત્રો માટે ખાસ તૈયાર કરાયેલી પ્રોડક્ટ્સની વધતી સુસંગતતા દર્શાવે છે, આ તમામ પરિબળો વધુ સમાવેશક અને સંતુલિત ક્રેડિટ ઇકોસિસ્ટમમાં ફાળો આપી રહ્યા છે,” તેમ જૈને જણાવ્યું હતું.
ગોલ્ડ લોનના ટેકે ક્રેડિટ સપ્લાયમાં વધારો થયો
ડિસેમ્બર 2024ના ક્વાર્ટરમાં સપ્લાય માટેનો સીએમઆઈ 91 હતો, જે ડિસેમ્બર 2025ના ક્વાર્ટરમાં વધીને 98 થયો હતો. આ વધારો મુખ્યત્વે ગોલ્ડ લોનના વોલ્યુમ અને તેના મૂલ્ય એમ બંનેમાં થયેલા નોંધપાત્ર વધારાને કારણે થયો છે. સોનાના વધતા ભાવનો લાભ લેવા માંગતા ગ્રાહકો દ્વારા લેવામાં આવેલી મોટી રકમની ગોલ્ડ લોન દ્વારા આ વૃદ્ધિને ટેકો મળ્યો હતો.
માર્ચ 2023થી, ગોલ્ડ લોનની સરેરાશ રકમમાં 1.8 ગણો વધારો થયો છે, જેના કારણે લોન આપવાના કુલ મૂલ્યમાં તીવ્ર ઉછાળો નોંધાયો છે. માર્ચ 2023 ને આધાર ગણતાં, ગોલ્ડ લોનની સરેરાશ રકમનો ગ્રોથ ઇન્ડેક્સ ડિસેમ્બર 2024ના ક્વાર્ટરમાં 132 પોઈન્ટ હતો, જે વધીને ડિસેમ્બર 2025 ના ક્વાર્ટરમાં 189 પોઈન્ટ પર પહોંચી ગયો છે.
ડિસેમ્બર 2025માં પૂરા થતાં ત્રણ મહિના માટે લોનની સરેરાશ રકમ રૂ.1.9 લાખ રહેવા પામી છે. તમામ પ્રકારની રિટેલ લોન કેટેગરીઝમાં ગોલ્ડ લોનનો હિસ્સો વોલ્યુમની દ્રષ્ટિએ (36%) અને મૂલ્યની દ્રષ્ટિએ (39%) સૌથી મોટો છે, જે કુલ રિટેલ લોન સપ્લાયના ત્રીજા ભાગથી પણ વધુ છે. બાકી લેણાંની વાત કરીએ તો, ગોલ્ડ લોન હવે માત્ર હોમ લોન પછી બીજા ક્રમે આવે છે.
ભૌગોલિક અને વસ્તી આધારિત દ્રષ્ટિકોણથી જોઈએ તો, દક્ષિણના રાજ્યો પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવાના તેના પરંપરાગત વલણથી આગળ વધીને હવે ઉત્તર તથા પશ્ચિમના રાજ્યોમાં ગોલ્ડ લોનમાં વધુ વૃદ્ધિ જોવા મળી રહી છે. ઉદાહરણ તરીકે, ડિસેમ્બર 2025 સુધીમાં, ગોલ્ડ લોન લેવાની સંખ્યામાં સરેરાશ કરતા વધુ વાર્ષિક વૃદ્ધિ દર ધરાવતા ત્રણ રાજ્યો ઉત્તર પ્રદેશ (96%), મધ્ય પ્રદેશ (80%) અને રાજસ્થાન (79%) હતા. આ ઉપરાંત, અડધાથી વધુ એટલે કે 54% લોન ‘પ્રાઈમ’ અને તેનાથી ઉપરના ગ્રાહકો દ્વારા લેવામાં આવી રહી છે, જે વધુ વૈવિધ્યસભર ક્રેડિટ પ્રોફાઇલ સૂચવે છે. આ વલણ મુખ્ય પ્રવાહની રિટેલ ક્રેડિટ પ્રોડક્ટ તરીકે ગોલ્ડ લોનની વધતી જતી સ્વીકૃતિને પણ દર્શાવે છે.

વપરાશ-પ્રેરિત ધિરાણે પ્રથમ વખત ઋણ લેનારા ગ્રાહકોના સેગમેન્ટમાં નવો પ્રાણ ફૂંક્યો

ડિસેમ્બર 2025ના ક્વાર્ટરમાં, પ્રથમ વખત ઋણ લેનારા (FTB) 3 ગ્રાહકોની સંખ્યામાં વાર્ષિક ધોરણે 7% નો વધારો થયો છે, જેને વપરાશ-આધારિત ધિરાણના મજબૂત વેગથી ટેકો મળ્યો છે. આ સેગમેન્ટમાં, પર્સનલ લોનમાં વાર્ષિક 20% નો વધારો નોંધાયો છે, જેની સરખામણીએ ડિસેમ્બર 2024ના ક્વાર્ટરમાં 3% નો ઘટાડો થયો હતો. તેવી જ રીતે, કન્ઝ્યુમર ડ્યુરેબલ લોનમાં વાર્ષિક 22% નો વધારો થયો છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં થયેલા 11% ના ઘટાડાની સામે મોટી રિકવરી દર્શાવે છે.

આ ઉપરાંત, 35 વર્ષથી ઓછી ઉંમરના ઋણ લેનારાઓની સંખ્યામાં ડિસેમ્બર 2025ના ક્વાર્ટરમાં વાર્ષિક 17%નો વધારો થયો છે, જેની સરખામણીએ ડિસેમ્બર 2024ના ક્વાર્ટરમાં 3%નો ઘટાડો નોંધાયો હતો. હવે આ વય જૂથ પ્રથમ વખત ઋણ લેનારા સેગમેન્ટનો 58% હિસ્સો ધરાવે છે અને તે આ સેગમેન્ટની એકંદર વૃદ્ધિમાં મુખ્ય ફાળો આપે છે.
પરફોર્મન્સ સીએમઆઈ 6 પોઈન્ટ વધ્યો
મુખ્ય પ્રોડક્ટ સેગમેન્ટ્સમાં 90+ દિવસથી બાકી રહેલા (DPD) દેવાના સ્તરમાં થયેલા સુધારાને કારણે, પરફોર્મન્સ માટેનો સીએમઆઈ ડિસેમ્બર 2024માં 101 હતો, જે વધીને ડિસેમ્બર 2025માં 107 થયો છે. માઇક્રો-લોન અગેન્સ્ટ પ્રોપર્ટી (LAP) સેગમેન્ટ એકમાત્ર એવી શ્રેણી હતી જેમાં થોડું દબાણ જોવા મળ્યું હતું, જેમાં 90+ DPD ડેલિક્વેન્સી વાર્ષિક 35 બેસિસ પોઈન્ટ વધીને ડિસેમ્બર 2025 માં 3.1% થઈ હતી. આ વધારો થવા છતાં, અગાઉના ક્વાર્ટરની તુલનાએ દેવાનું સ્તર મોટાભાગે સ્થિર અને નિયંત્રિત રહ્યું છે.
“ભારતનું રિટેલ ધિરાણ ક્ષેત્ર સતત મજબૂતી અને માળખાકીય મજબૂતી દર્શાવી રહ્યું છે, જેને વપરાશ-પ્રેરિત માંગ અને સુધરતા ક્રેડિટ પરફોર્મન્સ વચ્ચેના સ્વસ્થ સંતુલન દ્વારા ટેકો મળી રહ્યો છે. હોમ, ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ સેગમેન્ટમાં લોન આપવાનું વધતું પ્રમાણ મિલકત-આધારિત ધિરાણ તરફનો સ્થિર બદલાવ સૂચવે છે. આ સાથે જ, લોનની વધતી સરેરાશ રકમ અને ‘પ્રાઈમ’ તથા તેનાથી ઉપરના ગ્રાહકોનો વધતો હિસ્સો દર્શાવે છે કે ધિરાણકર્તાઓ સતત વિશ્વાસપાત્ર ક્રેડિટ પ્રોફાઇલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જે ઋણ લેનારાઓની બદલાતી પસંદગીઓ તેમજ બદલાતી ધિરાણ જરૂરિયાતોને અનુરૂપ થવાની ધિરાણકર્તાઓની ક્ષમતાને દર્શાવે છે.”
જૈને વધુમાં જણાવ્યું હતું કે, “પ્રથમ વખત લોન લેનારાઓ, યુવા ગ્રાહકો અને બિન-મેટ્રો ભૌગોલિક વિસ્તારોની વધતી જતી ભાગીદારી ધિરાણના વ્યાપક ઔપચારિકીકરણ અને વધતી નાણાકીય સમાવેશકતા સૂચવે છે. આ ઇકોસિસ્ટમ જેમ જેમ પરિપક્વ બનશે, તેમ લાંબા ગાળાની સાતત્યપૂર્ણ વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે ધિરાણ શિસ્ત અને જોખમ વ્યવસ્થાપન પર મજબૂત ધ્યાન જાળવી રાખવું અત્યંત મહત્વનું બની રહેશે.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)