મુંબઈમાં અનંત વિલાસ, યુકેમાં સ્ટોક પાર્ક અને ગુજરાતમાં એક નવો પ્રોજેક્ટ આઇકોનિક ડેસ્ટિનેશન્સ બનશે

મુંબઈ, 24 ઓગસ્ટ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે ભારત અને યુકેમાં ત્રણ પ્રોપર્ટીનું સંયુક્ત રીતે સંચાલન કરવા માટે ધ ઓબેરોય હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ (ઓબેરોય) સાથે સમજૂતી કરી છે. તેમાં મુંબઈના બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં શરૂ થનારી અનંત વિલાસ હોટેલ, યુકેમાં આઇકોનિક સ્ટોક પાર્ક અને ગુજરાતમાં અન્ય પૂર્વનિયોજિત પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ટ્રાવેલ પ્લસ લીઝરના યુએસએ વર્લ્ડ્સ બેસ્ટ એવોર્ડ 2022માં ઓબેરોય હોટેલ્સને વિશ્વની શ્રેષ્ઠ હોટેલ બ્રાન્ડ તરીકેનું સ્થાન મળ્યું હતું.

અનંત વિલાસ, મુંબઈ: ઓબેરોય દ્વારા સંચાલિત આઇકોનિક લક્ઝરી ‘વિલાસ’ પોર્ટફોલિયોના ભાગરૂપે અનંત વિલાસને પ્રથમ મેટ્રો-સેન્ટ્રિક પ્રોપર્ટી તરીકે તૈયાર કરવામાં આવી છે. અનંત વિલાસ મુંબઈના બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સના ધમધમતા બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે, બીકેસીમાં ઝડપથી બિઝનેસ, હોસ્પિટાલિટી, શોપિંગ, એફએન્ડબી, કળા અને સંસ્કૃતિ, શૈક્ષણિક અને રહેઠાણ તથા નાગરિકો અને મુલાકાતીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનંત વિલાસ મુલાકાતીઓ માટે યાદગાર અનુભવ સાથે બિઝનેસ ડિસ્ટ્રિક્ટની હોટેલની જરૂરિયાતને પરિપૂર્ણ કરવા માંગે છે.

સ્ટોક પાર્ક, યુકે: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની સ્ટોક પાર્ક લિમિટેડ, સ્ટોક પોજેસ, બકિંગહામશાયરમાં રમતગમત અને લીઝર સુવિધાઓની માલિકી ધરાવે છે. આ સુવિધાઓમાં હોટલ, રમતગમતની સુવિધાઓ અને યુરોપમાં સૌથી વધુ રેટેડ ગોલ્ફ કોર્સનો સમાવેશ થાય છે. ઓબેરોય આરઆઇએલને સુવિધાઓને અપગ્રેડ કરવા અને તેને વિશ્વ-કક્ષાનું પ્રતિષ્ઠિત સ્થળ બનાવવા તથા મહેમાનો માટેનો અજોડ અનુભવ તૈયાર કરવામાં મદદ કરશે. ગોલ્ફ અને અન્ય રમતગમત સુવિધાઓ સહિત સ્ટોક પાર્કના વ્યાપક અપગ્રેડનો સમાવેશ કરવાની યોજનાઓ તૈયાર થઈ રહી છે.

ગુજરાતમાં નવા પ્રોજેક્ટ: ગુજરાતમાં પ્રવાસન ક્ષમતામાં વધારો કરવા માટે અન્ય આઇકોનિક હોટેલ પ્રોજેક્ટ તરીકે પરિકલ્પના કરાયેલો, હજુ સુધી અનામી પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે. ઓબેરોય વૈશ્વિક સ્તરે હોસ્પિટાલિટી ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ ગ્રાહક સેવા પૂરી પાડવાનો અજોડ ટ્રેક રેકોર્ડ ધરાવે છે. ઓબેરોય પાસે તેમના પોર્ટફોલિયોમાં ઘણા મહેલો અને અન્ય ઐતિહાસિક મિલકતો છે અને ઐતિહાસિક મિલકતોના સ્વરૂપ અને તેની પાછળની પરિકલ્પનાનું સંવર્ધન કરવાની સાથે તેને સાચવવામાં આવે છે.