નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના રેપોરેટમાં વધારાના પગલે મોટાભાગની બેન્કોએ પણ એફડી રોકાણકારોને આકર્ષવા માટે વ્યાજદરમાં 25-20 બેઝિસ પોઇન્ટનો વધારો જાહેર કર્યો છે. જેમાં એસબીઆઈ, એચડીએફસી બેન્ક, પીએનબી અને યસ બેન્કનો સમાવેશ થાય છે. નવા વ્યાજદરો રૂ.2 કરોડથી ઓછી રકમ પર લાગુ થશે.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) FD પરના વ્યાજ દરોમાં 25bps સુધીનો વધારો કર્યો છે.7 દિવસથી 10 વર્ષ સુધીના ગાળા માટે 7 ટકા સુધીના વ્યાજદરોની જાહેરાત કરી છે. વરિષ્ઠ ગ્રાહકો 7.5% સુધી વ્યાજ મેળવી શકે છે. સ્પેશિયલ એફડી અમૃત કલશ પર બેન્ક સામાન્ય ગ્રાહકોને 7.1 ટકા અને વરિષ્ઠ ગ્રાહકોને 7.6 ટકા વ્યાજ 400 દિવસની માટે ચૂકવશે. HDFC બેન્કે 7 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે સામાન્ય લોકોને 3%થી 7.10% અને વરિષ્ઠ ગ્રાહકોને 3.50%થી 7.60% સુધીના વ્યાજ દરો ઓફર કર્યા છે.

યસ બેન્કે FD પરના વ્યાજ દરમાં 25 થી 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. 7 દિવસથી 10 વર્ષ સુધીની મુદત માટે બેન્ક નિયમિત ગ્રાહકો માટે 3.25 ટકાથી મહત્તમ 7.50 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરે છે. વરિષ્ઠ ગ્રાહકોને લઘુત્તમ 3.75 ટકાથી મહત્તમ 8 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. સામાન્ય ગ્રાહકોને સૌથી વધુ વ્યાજ દર 35 મહિનાની એફડી પર 7.75 ટકાના દરે આપવામાં આવે છે. જ્યારે, તે જ સમયગાળામાં રોકાણ કરનારા વરિષ્ઠ ગ્રાહકોને 8.25 ટકા વ્યાજ ઓફર કરાય છે. પંજાબ નેશનલ બેન્કે (PNB) FD વ્યાજ દરોમાં 30bps સુધીનો વધારો કર્યો છે. 666 દિવસ માટે નિયમિત ગ્રાહકોને આપવામાં આવતો સૌથી વધુ વ્યાજ દર 7.25 ટકા છે. વરિષ્ઠ ગ્રાહકોને 666 દિવસની મુદત વાળી FD માટે 7.75 ટકા અને 666 દિવસની મુદત સાથે સુપર વરિષ્ઠ ગ્રાહકોને 8.05 ટકા વ્યાજ દર ઓફર કર્યો છે.