નવી દિલ્હીઃ હિન્ડનબર્ગના અહેવાલના પગલે અદાણી જૂથના 10 શેર્સમાં સર્જાયેલી અંધાધૂંધ ઉથલપાથલ સહિતના સમગ્ર મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક નિષ્ણાત પેનલની રચના કરી છે. સાથે સાથે આદેશ આપ્યો છે કે પેનલે બે માસમાં તપાસ પૂર્ણ કરવી. અદાણી ગ્રૂપના સ્ટોક્સમાં થયેલા ઘટાડાની તપાસ અંગેના સુપ્રીમ કોર્ટના આજના આદેશને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આવકાર્યો છે.


ગૌતમ અદાણીએ ટ્વીટ કર્યું હતું કે, અદાણી ગ્રુપ માનનીય સુપ્રીમ કોર્ટના આદેશનું સ્વાગત કરે છે…..સત્યનો વિજય થશે.

પેનલમાં સુપ્રીમ કોર્ટ રિટાયર્ડ જસ્ટીસ સહિત 6 સભ્યોની પેનલ રચાઇ


હિન્ડેનબર્ગ રિપોર્ટ અને ત્યારપછી અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડા અંગે ચાર જાહેર હિતની અરજીઓ (PLIs) દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે ગુરુવારે છ સભ્યોની નિષ્ણાત પેનલની રચના કરી હતી. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એએમ સપ્રેના નેતૃત્વ હેઠળની સમિતિમાં કે.વી. કામથ, નંદન નિલેકણી, સોમશેખરન સુંદરન, ઓપી ભટ્ટ અને જેપી દેવદત્તનો સમાવેશ થાય છે.

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર, નાણાકીય વૈધાનિક સંસ્થાઓ અને સેબીના વડાને પેનલને તમામ બાબતોમાં સહકાર આપવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે પેનલને બે મહિનામાં રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે.

અદાણી ગ્રુપના શેરમાં રિકવરી જોવા મળી હતી


કોર્ટના આદેશ બાદ ગુરુવારે અદાણી ગ્રુપના તમામ 10 શેર ગ્રીન ઝોનમાં ટ્રેડ થયાં હતા. ચાર શેરોમાં અપર સર્કિટ લાગી હતી.