નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર- 23:  કેબિનેટે આજે સાયપ્રસ સ્થિત કંપની Berhyanda દ્વારા સુવેન ફાર્માસ્યુટીકલ્સના 76.1 ટકા શેર્સ હસ્તગત કરવા મંજૂરી આપી છે. જેના માટે સાયપ્રસ સ્થિત કંપની કુલ રૂ. 9589 કરોડનું વિદેશી રોકાણ કરશે. આ એક્વિઝિશન પ્રમોટર શેરહોલ્ડર્સ અને પબ્લિક શેરહોલ્ડર્સ દ્વારા ઓપન ઓફર હેઠળ પૂર્ણ થશે.

સુવેન ફાર્મામાં એફડીઆઈની જાહેરાતના પગલે શેરો આજે વર્ષની ટોચે પહોંચ્યા હતા. સુવેન ફાર્માનો શેર બીએસઈ ખાતે 557.40ની વાર્ષિક ટોચે પહોંચ્યા બાદ અંતે 0.75 ટકા સુધારા સાથે 517.40 પર બંધ રહ્યો હતો. જ્યારે સુવેન લાઈફ સાયન્સનો શેર 7.58 ટકા ઉછાળા સાથે 78.05 પર બંધ થયો હતો. જે ઈન્ટ્રા ડે 82.21ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો.

આર્થિક બાબતોની કેબિનેટ કમિટીની બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. આ રોકાણ સાથે સુવેનમાં વિદેશી રોકાણનો હિસ્સો 90.1 ટકા થશે. એક્વિઝિશનના પ્રસ્તાવને સેબી, આરબીઆઈ, સીસીઆઈ અને અન્ય સંબંધિત એજન્સીઓ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

પાંચ વર્ષમાં રૂ. 43 હજાર કરોડનું એફડીઆઈ ફાર્મા બિઝનેસમાં

છેલ્લા પાંચ વર્ષમાં ફાર્મા સેક્ટરમાં કુલ રૂ. 43713 કરોડનું એફડીઆઈ નોંધાયુ છે. ગત નાણાકીય વર્ષમાં આ સેક્ટરમાં એફડીઆઈ ગ્રોથ 58 ટકા નોંધાયો હતો. FDI નીતિ અનુસાર, ગ્રીન ફિલ્ડ ફાર્મા પ્રોજેક્ટ્સ માટે ઓટોમેટિક રૂટ મારફત 100 ટકા એફડીઆઈ મંજૂર કરવામાં આવે છે. બીજી બાજુ, બ્રાઉનફિલ્ડ ફાર્મા પ્રોજેક્ટ્સ માટે 74 ટકા વિદેશી રોકાણ ઓટોમેટિક રૂટ મારફત થઈ શકે છે. તેથી વધુ રોકાણ માટે સરકાર પાસેથી મંજૂરી લેવી પડે છે. છેલ્લા 5 વર્ષમાં ફાર્મા સેક્ટરમાં કુલ 44 હજાર કરોડ રૂપિયાનો FDI આવ્યો છે.