અમદાવાદ, 26 સપ્ટેમ્બરઃ માર્કેટ રેગ્યુલેટર સેબીએ એક્સચેન્જોને ગઈકાલે મોડી સાંજે અમુક ફેરફારોને આધિન હાલના શોર્ટ ટર્મ ASM અને TFT ફ્રેમવર્ક હેઠળ એસએમઈ શેરોને આવરી લેવાની સૂચના આપી હતી. એસએમઈ શેરોના ભાવમાં સતત વધારો સટ્ટાકીય તત્વોનું પ્રમાણ વધ્યું હોવાની શંકાને વધુ ઘેરી બનાવે છે. જેને ધ્યાનમાં રાખતાં સેબીએ આકરૂ વલણ અપનાવ્યું છે. આ નિયમો એવા શેરોની ઓળખ કરે છે કે, જેના ટ્રેડિંગ ખૂબ ઓછા ટ્રેડર્સ વચ્ચે થઈ રહ્યું હોય. એડિશનલ સર્વેલન્સ મેઝર (ASM) એ સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) અને એક્સચેન્જો દ્વારા રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટેની પહેલ છે. ASM હેઠળના સ્ટોક્સનું વધુ નિરીક્ષણ કરવામાં આવે છે અને જો માપદંડો પૂરા થાય છે તો ટ્રેડ-ફોર-ટ્રેડ (TFT) સેગમેન્ટમાં ખસેડવામાં આવે છે. T2T સેગમેન્ટ હેઠળના સ્ટોક્સમાં માત્ર ડિલિવરી ટ્રેડની મંજૂરી છે.

માર્કેટ રેગ્યુલેટરે સિક્યોરિટીઝમાં ભારે સટ્ટાખોરીને રોકવા માટે આવા સલામતી ઉપાયો ઘડી કાઢ્યા છે. બીએસઈ એસએમઈ ઈન્ડેક્સે છેલ્લા 10 વર્ષમાં 10350 ટકા રિટર્ન આપ્યું છે.

  • એસએમઈ આઈપીઓના બમ્પર લિસ્ટિંગે પણ રિટેલ રોકાણકારોને આકર્ષ્યા
  • ઘણા એસએમઈ શેરોમાં કોઈ ખાસ બિઝનેસ, ફેન્સી કે ફંડામેન્ટલ્સ ન હોવા છતાં તેજી
  • 40 ટકા એસએમઈ શેરો અટકળોના આધારે ચાલી રહ્યા છે

એક મર્ચન્ટ બેન્કર તાજેતરના કેટલાક SME IPOનું સંચાલન કર્યું છે, તેમણે નામ ન આપવાની શરતે સ્વીકાર્યું કે SME સેગમેન્ટમાં “મોટાપાયે સટ્ટો” છે. દેખીતી રીતે, સેબીએ પણ આ મુદ્દાને ધ્યાનમાં લેતાં પગલું લીધુ છે. તદુપરાંત, SME સેગમેન્ટમાં ઘટકો – નીચા ફ્લોટ, ઓછી લિક્વિડિટી, ગુમ થવાનો ડર (FOMO), અને બજાર સમુદાયમાં સોશિયલ મીડિયાની મોટાપાયે હાજરી – ભાવમાં સટ્ટો રમાડનારાની ચાલાકી જોવા મળી રહી છે.

ક્યુઆઈબીના સથવારે રિટેલ રોકાણકારોને નુકસાન

એસએમઈ સેગમેન્ટમાં ક્યુઆઈબીનું મોટાપાયે રોકાણ અનુસરી રિટેલ રોકાણકારો રોકાણ કરતાં હોય છે. પરંતુ ક્યુઆઈબીને ક્યારે એન્ટ્રી લેવી અને ક્યારે એક્ઝિટ તેના વિશે જાણ હોય છે. જેમાં રિટેલ રોકાણકારો ભરાઈ જતાં હોય છે. માર્કેટ નિષ્ણાતે જણાવ્યું હતું કે, એસએમઈમાં સટ્ટાનું વધુ પ્રમાણ રિટેલ રોકાણકારોના ખિસ્સા ખાલી રહ્યું છે. ક્યુઆઈબી ઉંચું રિસ્ક લેવા ટેવાયેલા છે.

બીએસઈ એસએમઈ આઈપીઓ ઈન્ડેક્સમાં વાર્ષિક 59 ટકાના દરે રિટર્ન

એસએમઈ સેગમેન્ટની 60 કંપનીઓને સમાવતા બીએસઈ એસએમઈ આઈપીઓ ઈન્ડેક્સે છેલ્લા 10 વર્ષમાં વાર્ષિક 59 ટકાના CAGR સાથે કુલ 10350 ટકા રિટર્ન આપ્યું છે. અર્થાત 2013માં આ ઈન્ડેક્સમાં 1000 રૂપિયાનું રોકાણ આજે 1.03 લાખ થયું છે. છેલ્લા પાંચ વર્ષમાં 82.63 ટકા, અને છેલ્લા 3 વર્ષમાં 193 ટકાના દરે રિટર્ન છૂટ્યું છે.