મુંબઇ, 12 જુલાઇઃ NSE માર્કેટ પલ્સ રિપોર્ટ-જૂન 2025 અનુસાર, નાણાકીય વર્ષ 2012થી નાણાકીય વર્ષ 2020 દરમિયાન ભારતની ચોખ્ખી ઘરેલું નાણાકીય બચત પ્રમાણમાં સ્થિર, જીડીપીના 7થી 8 ટકાની રેન્જમાં રહેવા પામી હતી. નાણાકીય વર્ષ 21માં, આ આંકડો કામચલાઉ ધોરણે વધીને 11.7% થયો હતો, જે કોરોના મહામારીને પગલે થયેલી સાવચેતી આધારિત બચત તથા ખર્ચ અથવા ઉધાર લેવાની તકોમાં થયેલા ઘટાડાને કારણે નોંધાયો હતો. મહામારી પછીના વર્ષોમાં, ચોખ્ખી નાણાકીય બચતમાં સતત ઘટાડો થયો છે, જે નાણાકીય વર્ષ 2024માં જીડીપીના માત્ર 5.2% એ સ્પર્શી છે, જે કોવિડ પહેલાની સરેરાશથી ઘણી ઓછી છે.

આ ઘટાડો આંશિક રીતે ઘરગથ્થુ નાણાકીય બચતમાં થયેલાં ઘટાડા (જીડીપીના %) અને ઘરગથ્થુ નાણાકીય જવાબદારીઓમાં થયેલાં તીવ્ર વધારાને કારણે નોંધાયો છે, જે નાણાકીય વર્ષ 21માં જીડીપીના 3.7 ટકાથી વધીને નાણાકીય વર્ષ 2024માં 6.2 ટકા થયો છે. કોવિડ પછી, ઘરગથ્થુ નાણાકીય જવાબદારીઓ નાણાકીય વર્ષ 21 માં રૂ.7.4 લાખ કરોડથી લગભગ ત્રણ ગણી વધીને નાણાકીય વર્ષ 24 માં રૂ.18.8 લાખ કરોડ થઈ ગઈ છે,

જેને પરિણામે ચોખ્ખી નાણાકીય બચત નાણાં વર્ષ 21ના રૂ. 23.3 લાખ કરોડની ટોચેથી ઘટીને નાણાં વર્ષ 24માં માત્ર રૂ.15.5 લાખ કરોડ રહેવા પામી હતી.

આ ઉપરાંત, ઘરગથ્થુ ધિરાણમાં પણ નોંધપાત્ર વિસ્તરણ થયું છે, જે નાણાકીય વર્ષ 2013થી નાણાકીય વર્ષ 2020 દરમિયાન જીડીપીના 32-35 ટકા પર સ્થિર રહ્યાં બાદ નાણાં વર્ષ 21માં વધીને 39.9 ટકા તથા નાણાં વર્ષ 24માં વધીને 42.1 ટકા થયું હતું. કોવિડ મહામારી બાદ ચોખ્ખી નાણાકીય બચત અને નાણાકીય જવાબદારીઓમાં જોવાયેલ ઘટનાક્રમ ખાનગી વપરાશમાં નોંધપાત્ર રિકવરી સાથે મેળ ખાય છે,  જેમાં નાણાકીય વર્ષ 23થી નાણાકીય વર્ષ 25 દરમિયાન સરેરાશ 6.7 ટકાની વૃદ્ધિ જોવાઈ છે, જે અંશતઃ ધિરાણ આધારિત વપરાશ હોવાનું સૂચવે છે.

Key Insights from Market Pulse: